Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જીપીએસસી દ્વારા લેવાયેલ પોલીસ ઈન્સ્પેકટર, વર્ગ-૨ની પરીક્ષામાં આહીર સમાજના પાંચ ઉમેદવારો સિલેકટ

ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ પોલીસ ઈન્સ્પેકટર-૨ (બીનહથિયારધારી-૪) વર્ગ-૨ની સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ ૬૦ ઉમેદવારોમાંથી આહીર સમાજના કુલ પાંચ ઉમેદવારોએ ઝળહળતી સફળતા મેળવીને આહીર સમાજનું ગૌરવ વધારેલ છે. (૧) સંજય સરમણભાઈ સોલંકી મેરીટ ૨૯, હાલ નાયબ મામલતદાર-૪ કેશોદ, (૨) મહેશ મેરામણભાઈ વરચંદ મેરીટ ૩૦, હાલ વેચાણ વેરા નિરીક્ષક (જીએસટી), (૩) મુકેશ કાનાભાઈ વરણકા મેરીટ ૩૫, હાલ ના.સે. અધિકારી, પંચાયત વિભાગ, (૪) ડો. નિધિબેન બાવાભાઈ કલસરીયા મેરીટ ૪૩, હાલ નાયબ મામલતદાર-૪ ગિર-સોમનાથ, (૫) કાજલબેન રણમલભાઈ સુવા મેરીટ ૪૭નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ખેતી અધિકારી-૪ વર્ગ ૨નું પરિણામ આવતા તેમા પણ ૧૧૦માંથી આહીર સમાજના ૧૧ ઉમેદવારો પાસ થયા છે. આમ વિવિધ જગ્યાઓ ઉપર આહીર સમાજના ઉમેદવારોએ સિલેકટ થઈને આહીર સમાજનું ગૌરવ વધારેલ છે. છેલ્લા થોડા વર્ષોથી સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાં આહીર સમાજના ભાઈ-બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાહત દરે વર્ગો શરૂ કરવામાં આવતા તેના સારા પરિણામો મળ્યા છે. રાજકોટ ખાતે ક્રિષ્ના ફાઉન્ડેશનમાં અભ્યાસ કર્યો હોય તેવા અંદાજે ૧૨૦૦ ઉપરાંતના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની વર્ગ ૧ થી ૩ ની વિવિધ જગ્યાઓમાં સિલેકટ થઈને નોકરીમાં લાગ્યા છે. તેમ સફળ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા ગાંધીનગર સચિવાલય વિભાગના સેકશન અધિકારી અને આહીર અગ્રણી અશ્વિનભાઈ જાટીયાએ એક યાદીમાં જણાવેલ છે.

(3:19 pm IST)