Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

હિટ એન્ડ રન: ચિલોડા-ડભોડા ત્રણ રસ્તા નજીક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને હડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર: જિલ્લામાં અકસ્માતના બનાવોની સાથે હવે હીટ એન્ડ રનની ઘટનાઓ પણ સતત વધી રહી છે. અકસ્માત સર્જીને વાહનચાલકો ફરાર થઈ રહયા છે ત્યારે શહેર નજીક ચિલોડા દહેગામ રોડ ઉપર આવી જ એક ઘટનામાં મગોડીના રીક્ષાચાલક યુવાનનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મગોડી ગામે રહેતાં સનાભાઈ રાવળ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતા ત્યારે ગઈકાલે તેમની રીક્ષા નં.જીજે-૧૮-એએકસ-૬૦૭૨ લઈને મુસાફરો ભરીને ચિલોડા તરફ જઈ રહયા હતા. તે દરમ્યાન ડભોડા ત્રણ રસ્તા પાસેથી તેઓ પસાર થતા હતા તે દરમ્યાન અજાણ્યો વાહનચાલક તેમની રીક્ષાને અડફેેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રીક્ષા પલટી ગઈ હતી. જેમાં ચાલક સનાભાઈ રાવળની સાથે મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ગંભીર ઈજાઓના કારણે સનાભાઈનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. તો અકસ્માતની ઘટના સંદર્ભે તેમના ભાઈ અજયભાઈ કાળાભાઈ રાવળની ફરિયાદના આધારે ડભોડા પોલીસે ગુનો નોંધીને ફરાર વાહનચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.

(6:05 pm IST)