Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં માતાજીના મંદિરને નિશાન બનાવી તસ્કરોએ દાનપેટીમાંથી 22 હજારની માતાની ચોરી કરતા અરેરાટી

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેરના ઈન્દ્રોડા ગામમાં ઈન્દ્રાણી માતાજીના મંદિરમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ તાળાં તોડયા હતા અને મંદિરની દાનપેટીમાંથી નાના મોટા ૧૧ જેટલા ચાંદીના છતર મળી રર હજારની મત્તા ચોરી લીધી હતી. આજે સવારના સમયે મંદિરના પૂજારીને આ ઘટના અંગે જાણ થતાં ઈન્ફોસીટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તસ્કરોને પકડવા દોડધામ શરૃ કરી છે.   

હાલ ગાંધીનગર જિલ્લામાં નાની મોટી ઘરફોડ ચોરીની ઘટનાઓની સાથે મંદિરમાં ચોરીના બનાવો પણ વધી રહયા છે. શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરો પણ તસ્કરોના સોફટ ટાર્ગેટ ઉપર હોય તેમ લાગી રહયું છે. ઝુંડાલમાં વારાહી મંદિરમાં ચોરીની ઘટના બાદ કલોલના સઈજમાં અંબાજી મંદિરના પણ તાળાં તુટયા હતા ત્યારે ગઈરાત્રીએ ઈન્દ્રોડા ગામના ઈન્દ્રાણી માતાજીના મંદિરને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે અહીં સેવાપૂજા કરતાં મહેન્દ્રભાઈ ત્રિકમલાલ મહેતા આજે વહેલી પરોઢે મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હોવાનું જણાતાં તેમણે મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી. જેના પગલે ટ્રસ્ટીઓ સાથે મંદિરમાં તપાસ કરતાં દાનપેટીમાંથી લોક તોડીને રોકડ રકમ ચોરાઈ હોવાનુ જણાયું હતું. જયારે માતાજીના ગર્ભગૃહમાં નાના મોટા ૧૧ જેટલા ચાંદીના છતર પણ ચોરાયા હતા. આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મંદિરના ટ્રસ્ટી અશોકજી ગાંડાજી મકવાણાની ફરીયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી. 

(6:05 pm IST)