Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ટેમ્પાથી કચરો ઠાલવનાર શખ્સને ઝડપી 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો

વડોદરા: શહેરમાં સમા મંગલ પાંડે રોડ ઉપર વિશ્વામિત્રી નદીની ઝાડીઓમાં પુલ પરથી પીઓપીનું વેસ્ટ મટીરીયલ ખુલ્લેઆમ નાખી નદીમાં પ્રદૂષણ ફેલાવતા એક ટેમ્પાને બે દિવસ અગાઉ ઝડપી પાડયો હતો.

વડોદરા કોર્પોરેશનએ ટેમ્પો જપ્ત કરીને અટલાદરા સ્ટોર ખાતે જમા કરાવી દીધો હતો. કોર્પોરેશને આ કૃત્ય બદલ ટેમ્પા ચાલક ને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નદીમાં અથવા તો નદીની કોતરોમાં બિલ્ડીંગ મટીરીયલ, કાટમાળ વગેરે તેમજ જાહેરમાં ગમે ત્યાં કચરો ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં લોકો કાયદાની ઐસી-તૈસી કરી આવો કચરો નાખતા હોય છે.

ગયા શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ મંગલ પાંડે રોડ પરથી કોર્પોરેશનના ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ કમિશનર અને તેમની ટીમે મહેતાબ નામના ટેમ્પા ચાલકને નદીમાં કચરો ઠાલવવા બદલ ઝડપી પાડયો હતો. નજીકમાં આવેલા સેવન સિસ મોલ માંથી તે ટેમ્પામાં પીઓપી વેસ્ટ મટીરીયલ ભરી લાવ્યો હતો અને નદીમાં નાખી રહ્યો હતો. તેને ઝડપી પાડયા બાદ ટેમ્પો જપ્ત કરી લીધો હતો. 

જોકે નદીમાં જે કચરો ઠાલવ્યો હતો તે તેની પાસે પાછો ભરાવી લીધો હતો. ગઈકાલે તેને રૂપિયા 10 હજારનો દંડ કરી ઠપકો પણ આપ્યો હતો. ટેમ્પા ડ્રાઈવરે હવે પછી આવું નહીં કરવાનું અને પોતાની ભૂલ સ્વીકારી હતી.

(5:54 pm IST)