Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વડોદરા:ગાડીના દરવાજા નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા

વડોદરા:તવેરા ગાડીના દરવાજા અને સીટ નીચે ચોરખાનું બનાવી દારૃની હેરાફેરી કરનારા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે જ્યારે બેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા પોલીસનો સ્ટાફ વોચમાં હતો ત્યારે બાતમી મળી હતી કે હાલોલ તરફથી ગોલ્ડન કલરની એક તવેરા ગાડી દારૃનો જથ્થો ભરીને વડોદરા તરફ જવાની છે. આ માહિતીના આધારે જરોદ પાસે હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને રોકી તપાસ હાથ ધરતા ગાડીના ચારેય દરવાજા તેમજ સીટના પડખામાં બનાવેલા ચોરખાનામાં છુપાવેલી દારૃની ૨૫૯ બોટલો મળી હતી.

પોલીસે દારૃનો જથ્થો, ત્રણ મોબાઇલ, અને ગાડી મળી કુલ રૃા.૩.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કરી દેવગઢબારીયા તાલુકાના જંબુસર ગામમાં રહેતા વિપુલ સરદાર કોળી અને પ્રકાશ બાબુભાઇ કોળીની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ કરતા સુરેશ સરદાર બારીયાએ દારૃનો જથ્થો ભરીને ગાડી આપી હતી તેમજ ઉમેઢા ગામમાં રહેતા ભોલાએ મંગાવ્યો હતો તેમ જાણવા મળ્યું હતું. પોલીસે સુરેશ અને ભોલાને ફરાર જાહેર કરી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

(5:55 pm IST)