Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

*આઝાદી કા અમૃત મહોત્સવ અને શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ ઉપક્રમે ત્રિરંગા બાઈક મહારેલીનું પંચમહાલમાં આયોજન...*

નિહાળો ડ્રોનની નજરે અદ્ભૂત બાઈક મહારેલીનો નજારો...

૧૫ મી ઓગષ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. દેશભક્તિના ગીતો અને દેશભક્તિના નારાઓથી આખો દેશ ગુંજી ઊઠે છે. સમગ્ર દેશ રોશનીથી જળહળી ઊઠે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અને શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના વાઘજીપુર, ધાંધલપુર, શહેરા, દલવાડા, બાહી, ગોધરા, મોરડુંગરા શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી ત્રિરંગા બાઈક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરથી ત્રિરંગા બાઈક મહારેલીને પંચમહાલના મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી શાંતિનિલયદાસજી સ્વામી, શ્રી સંતભૂષણદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી તથા આગેવાન હરિભક્તોએ રથમાં બિરાજમાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી અને ત્રિરંગા બાઈક મહારેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ભારત માતાકી જય, વંદેમાતરમ્, જય હિન્દ વગેરે જયનાદોથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. તે તે ગામોમાંથી પસાર થયેલી મહારેલીનું સૌ અંતરના ઉમળકાથી વધાવી લીધી હતી. શહેરા તાલુકા વિકાસ અધિકારીશ્રી રણજીતસિંહ મથોળિયા, શહેરા ભાજપા પ્રમુખ મગનભાઈ પટેલિયા વગેરેએ તથા ગોધરા ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી, ગોધરા નગરપાલિકાના પ્રમુખ શ્રી સંજયભાઈ સોની, ગોધરા ભાજપા પ્રમુખ શ્રી દિલીપભાઈ દસાડિયા તથા કોર્પોરેટરો તેમજ ગોધરા શહેરના ભાજપા હોદેદારો વગેરેએ કલાત્મક મનોરમ્ય રથમાં બિરાજમાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને પુષ્પહાર પહેરાવી, આરતી ઉતારી હતી અને પૂજનીય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવનો ૭૫ તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો ૫૦ લોગો બાઈક ચાલકોએ સુંદર રીતે બાઈકો ગોઠવીને બનાવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ તથા આઝાદીના ૭૫ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ત્રિરંગા બાઈક મહારેલીનું અંતર પણ ૭૫ કિલોમીટર હતું. મહારેલીમાં ભાગ લેનાર તમામ હરિભક્તોનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. તો શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમ, શહેરાના નવલોહિયા યુવાનોએ પણ સમગ્ર મહારેલીમાં પ્રશંસનીય ફરજ અદા કરી હતી. આજનો ઐતિહાસિક અવિસ્મરણીય કાર્યક્રમ સૌ કોઈ માટે યાદગાર રહ્યો હતો. ત્રિરંગા બાઈક મહારેલીના સમાપનમાં પૂજનીય સંતો અને હરિભકતોએ શ્રીજીબાપા સ્વામીબાપાની આરતી ઉતારી હતી અને ત્યારબાદ સૌએ મહાપ્રસાદ આરોગ્યો હતો.

(12:04 pm IST)