Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પંચમહાલના કલોલની ધો.4ની વિદ્યાર્થીની ઝોયા શેખે હાથમાં રાષ્‍ટ્રધ્‍વજ લઇ 4 કિ.મી. જેટલુ સ્‍કેટીંગ કરી અનોખી દેશભક્‍તિનું પ્રદર્શન કર્યુ

પંચમહાલ સ્‍ટેટ ચેમ્‍પિયન અને અનેક મેડલ વિજેતા ઝોયા શેખને મામલતદારે પોતાની ખુરશી પર બેસાડી સન્‍માનીત કરી

પંચમહાલઃ પંચમહાલના કલોલની ધો.4ની વિદ્યાર્થીની ઝોયા શેખે હાથમાં રાષ્‍ટ્રધ્‍વજ લઇ 4 કિ.મી. જેટલુ સ્‍કેટીંગ કરી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી અનોખા રાષ્‍ટ્રપ્રેમનું ઉદાહરણ પુરૂ પાડયુ છે. સર્કીટ હાઉસે મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અગ્રણીઓએ ઝોયા શેખને રાષ્‍ટ્રધ્‍વજ અર્પણ કરી સ્‍કેટીંગનું પ્રસ્‍થાન કરાવ્‍યુ હતુ. સ્‍ટેટ લેવલે ગોલ્‍ડ મેડલ જીતનાર ઝોયા અનેક સ્‍પર્ધાઓમાં ઘણા પદકો જીતી ચુકી છે.

આજે સમગ્ર દેશ 76 મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. ત્યારે પંચમહાલમાં સ્ટેટ ચેમ્પિયન અને અનેક મેડલ વિજેતા 9 વર્ષીય ઝોયા શેખે અનોખી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. ઝોયા એ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ 4 કિમી જેટલું સ્કેટિંગ કરી પોતાની દેશભક્તિનું પ્રદર્શન કર્યું. તો બીજી તરફ ઝોયાનો ઉત્સાહ વધારવા માટે કાલોલના મામલતદારે ઝોયાને પોતાની ખુરશી પર બેસાડી સન્માનીત કરી હતી.

કાલોલ સર્કિટ હાઉસ નજીકથી આજરોજ કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયદેવ સિંહ ઠાકોર, કાલોલ નગર પાલિકા પ્રમુખ, કાલોલ મામલતદાર અને પીએસઆઈ કાલોલ સહિતના અગ્રણીઓએ ઝોયા શેખને હાથમાં રાષ્ટ્રધ્વજ અર્પણ કરી સ્કેટિંગનું પ્રસ્થાન કરાવ્યું હતું. કાલોલ નગરની ધોરણ 4 માં અભ્યાસ કરતી નવ વર્ષીય ઝોયા શેખને માતાપિતા તરફથી પ્રેરણા મળતા આજરોજ 76 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે કાલોલ નગરમાં હાથમાં ત્રિરંગો લઈ 4 કિમી સ્કેટિંગ કરી પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરી હતી.

સ્કેટિંગ દરમ્યાન રસ્તા પર પોલીસે પાયલોટિંગ કરી ઝોયાને સુરક્ષા પુરી પાડી હતી. ઝોયા શેખ શરૂઆતથી સ્કેટિંગ પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે. સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ જીતનાર ઝોયા સાંસદ ખેલ મહોત્સવ સહિતની સ્પર્ધાઓમાં અનેક પદકો જીતી ચુકી છે. ત્યારે આજ રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઝોયાનો ઉત્સાહ વધારવા માટે કાલોલ મામલતદાર દ્વારા તેને પોતાની ખુરશી પર બેસાડી સન્માનીત કરવામાં આવી હતી. સાથે જ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિતના અગ્રણીઓએ જોયાને ફૂલ હાર પહેરાવી મીઠાઈ ખવડાવી સન્માનિત કરી તેના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

(6:17 pm IST)