Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં જળ બંબાકાર જેવી સ્થિતિ : બત્રીસ ગંગા ખાડી ઉભરાઈ જતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

સુરત જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

સુરત : છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે બારડોલી-મોતાને જોડતા માર્ગ પર ખેતર, કોતરનાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર ભારે અસર જોવા મળી છે. માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતાં કેટલાક વાહનો પાણીમાં અધવચ્ચે બંધ થતાં તેને ધક્કો મારી બહાર કાઢવાની નોબત પણ આવી હતી. તેમજ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ભારે વરસાદના કારણે બત્રીસ ગંગા ખાડી ઉભરાઈ જતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું, ત્યારે બલેશ્વરના ટાંકી ફળિયામાં આવેલા 50 જેટલા પરિવાર ખાડીનું પાણી ફરી વળતા ફસાઈ ગયા હતા. જોકે, ગામ સરપંચ દ્વારા સ્થાનિક પ્રશાશનને જાણ કરવામાં આવતા પલસાણા મામલતદાર તેમજ પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાની બારડોલી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. બનાવના પગલે બારડોલી ફાયર વિભાગ દ્વારા બોટ લઇ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે ગામની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા.

(9:50 pm IST)