Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

‘નો રિપીટ' થિયરીનો રાજ્‍ય મંત્રીમંડળમાં અમલઃ સી.આર. પાટીલની ગુડબુકમાં સ્‍થાન મેળવેલ દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્‍યોને મંત્રીમંડળમાં સ્‍થાન મળ્‍યુ

નારાજ ધારાસભ્‍યોએ કરેલા લોહી ઉકાળા ક્‍યાંય કામ ન આવ્‍યા

અમદાવાદ: નવા મંત્રીમંડળમાં નો રિપીટ પર ભાજપ અડીખમ રહ્યું છે. તો બીજી તરફ, સિનિયર મંત્રીઓની નારાજગીનો કોઈ ઉકેલ ન આવ્યો. આજે મંત્રીમંડળમાં જે જે ધારાસભ્યોના નામ સામેલ આવ્યા તેમાં તમામ નવા નામ છે. એક પણ નામ રિપીટ થયુ નથી. જે બતાવે છે, નારાજ ધારાસભ્યોએ કરેલા લોહીઉકાળા ક્યાંય કામ ન આવ્યા. તો બીજી તરફ, મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના નેતાઓને લોટરી લાગી છે. તેમાં પણ ખાસ કરીને સીઆર પાટીલની ગુડબુકમાં સ્થાન મેળવેલ નેતાઓને મંત્રી પદ મળ્યું છે. તો સાથે જ અનેક સિનિયર નેતાઓના પત્તા કપાયા છે.

નવા મંત્રી મંડળમાં પાટીલના વિશ્વાસુ કહી શકાય તેવા ધારાસભ્યોને સ્થાન મળ્યુ છે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન અપાયુ છે.

દક્ષિણ ગુજરાતમાંથી કેટલા મંત્રીઓને સ્થાન?

    હર્ષ સંઘવી, મજુરા

    નરેશ પટેલ, ગણદેવી

    વીનુ મોરડિયા, કતારગામ

    મુકેશ પટેલ, ઓલપાડ

    જીતુ ચૌધરી, કપરાડા

    કનુભાઇ દેસાઈ, પારડી

જીતુ વાઘાણીની રિ-એન્ટ્રી

આ ઉપરાંત જીતુ વાઘાણીની મંત્રી મંડળમાં એન્ટ્રી સીઆર પાટીલનો માસ્ટર સ્ટ્રોક ગણાઈ રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી જીતુ વાઘાણી સંગઠનમાંથી હાંસિયામાં ધકેલાયા હતા. પરંતુ મંત્રીમંડળમાં તેમને સ્થાન મળવુ ભવ્ય પુનરાગમન કહી શકાય. લગભગ એક વર્ષના રાજકીય વનવાસ બાદ જીતુ વાઘાણીનું ભવ્ય પુનરાગમન થઈ રહ્યું છે, જે ક્યાંકને ક્યાંક સીઆર પાટીલના કારણે છે.

સી.આર.પાટીલના અણમાનીતા કપાયા તેમાં રૂપાણી મંત્રીમંડળના સભ્યો પૈકી કેટલાક છે. જોકે, આ નેતાઓ તો નો રિપીટ થિયરીમાં પણ કપાયા છે. જેમાં વિભાવરીબહેન દવેપરષોત્તમ સોલંકી, જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, આર.સી. ફળદુ નામ હોવાનું સૂત્રોનું કહેવુ છે.

(4:53 pm IST)