Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સુરતના માંડવીમાં આંગણામાં રમી રહેલી બાળકીને દીપડો ઢસડી જતા મોતઃ ખેતરમાંથી મૃતદેહ મળ્યો

બારડોલી,તા. ૧૬: સુરત જીલ્લાના માંડવી તાલુકાના મધરકુઈ ગામે મોડી સાંજે યોગેશ ભાઈ ગામીતની દીકરી આરવી દ્યર બહાર પોતાના નાના ભાઈ સાથે રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ આરવી પર હુમલો કરી દીધો હતો અને આરવીને ગળા ના ભાગે થી પકડીને ખેતરમાં લઇ ગયો હતો.

જોકે નાના ભાઈ એ બુમાબુમ કરતા દ્યર પરિવારના લોકો દીપડા પાછળ દોડતા દીપડો આરવી ને મૂકીને ખેતરમાં ભાગી ગયો હતો ,જોકે પરિવાર આરવી સુધી પહોચે ત્યાં સુધી આરવીનું મોત થઇ ચુકયું હતું.

ઘટનાની જાણ આ વિસ્તાર ના ધારાસભ્ય આનદ ચૌધરી ને થતા આનંદ ચોધરી ઘટના સ્થળે પહોચ્યા હતા અને સમગ્ર ઘટના ને વખોડી કાઢી હતી ,સ્થાનિકો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વન વિભાગ ને જાણ કરવા છતાં વન વિભાગ દ્વારા પાંજરું નહિ ગોઠવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. મામલાની જાણ થતા ધારાસભ્ય આનંદ ચૌધરી પણ ધસી આવ્યા હતા અને વન વિભાગ દ્વારા જો દીપડા ને વહેલી તકે પકડવામાં નહી આવે તો દીપડાને જાનથી મારી નાખવાની ચીમકી પણ ધારાસભ્ય એ ઉચ્ચારી હતી.

ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે બાળકીનો કબજો લઇ બાળકીનાં મૃતદેહને પી.એમ માટે બોધાન પી.એચ.સી પર ખસેડ્યો હતો તેમજ દીપડાને પકડી પાડવામાં તાબડતોડ નજીકના ખેતરાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવાની તેમજ ટ્રેપ કેમેરા ગોઠવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ બાળકીના પરિવારજનોને કાલ બપોર સુધીમાં વળતર ચૂકવી દેવાની પણ બાહેંધરી આપવામાં આવી હતી.

(3:10 pm IST)