Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સુરતમાં દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી થતી હોવાની જાણ થતા પોલીસે ચેકીંગ હાથ ધરી 16.67 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સુરત: એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ગુજરાતના ડોન લતીફની સ્ટાઇલમાં દરિયાઇ માર્ગે દમણથી હજીરાના દરિયાકાંઠા વિસ્તારમાં ઠલવાતા દારૂના નેટવર્કનો પર્દાફાશ કરી મરીન પોલીસે બિયર, વ્હીસ્કી અને વોડકાનો રૂા. 13.55 લાખના જથ્થા સાથે જીપીએસ અને બોટ સહિત કુલ રૂા. 16.67 લાખની મત્તાનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. મરીન પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી દમણથી દરિયાઇ માર્ગે હજીરા વિસ્તારના દરિયાકાંઠે વિદેશી બનાવટના દારૂની હેરાફેરી થઇ રહી છે. જેના આધારે મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એ. પીપળીયા, હેડ કો ન્સ્ટેબલ મહેશકુમાર હીરાલાલ, સુમેરૂ નટવર સહિતના સ્ટાફે દરિયામાં પેટ્રોલીંગ શરૂ કર્યુ હતું. જે અંતર્ગત મરીન પોલીસને હજીરાની એસ્સાર જેટી બોટ પોઇન્ટથી સાત નોટિકલ માઇલ દુર દરિયામાં એક બોટ શંકાસ્પદ જણાતા પોલીસે તેનો ફિલ્મી સ્ટાઇલમાં એકાદ નોટિકલ માઇલ પીછો કરી બોટને ઝડપી પાડી દરિયા કિનારે લઇ આવવામાં આવી હતી. બોટને દરિયા કિનારે લાવ્યા બાદ તેમાં સર્ચ કરતા બોટમાંથી વિદેશી બનાવટનો દારૂ, બિયર અને વોડકાના 271 નંગ બોક્સ કિંમત રૂા. 13.55 લાખનો જથ્થો મળી આવ્યો હતો.

(5:13 pm IST)