Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

નવરાત્રિમાં શક્તિવંદના થકી નારી શક્તિના યોગદાનને બિરદાવોઃ સાચા અર્થમાં શક્તિ ઉપાસનાનું પર્વ ઉજવીએઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શારદીય નવરાત્રિ પર્વની શૂભેચ્છા પાઠવી

કોરોનાની ગંભીર પરિસ્થિતિના કારણે ગરબા આયોજનને મંજૂરી નથી આપીઃ વેક્સીન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરો, હાથ વારંવાર સાબુથી ધુઓ, સોશ્યલ ડિસ્ટેન્સીંગ જાળવી તહેવારોમાં થોડી કાળજી રાખોઃ સરકાર શક્તિવંદના અભિયાન હેઠળ ૧૯-૨૧-૨૩ ઓક્ટોબરે અલગ-અલગ ક્ષેત્રની ૯ નારી શક્તિ સાથે સંવાદ કરશેઃ માતા-બહેનો-પત્ની દીકરી સ્વરૂપે નારીશક્તિના આપણા જીવનમાં રહેલા મહાત્મ્ય-યોગદાન અંગે આભાર વ્યકત કરતો વિડીયો નવરાત્રિ દરમ્યાન હેશટેગ શક્તિવંદના- #Shakti Vandana સાથે સોશિયલ મિડીયા પર અપલોડ કરવા કરી અપીલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શનિવાર તા.૧૭મી ઓકટોબરથી પ્રારંભ થઇ રહેલા શક્તિ ઉપાસના પર્વ શારદીય નવરાત્રિની દેશ-દુનિયામાં વસતા સૌ ગુજરાતીઓને અને રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેઇસબૂકના માધ્યમથી નવરાત્રિ પર્વના પૂર્વ દિને સૌને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ખાસ કરીને ગુજરાતમાં વિશેષ મહત્વ ધરાવતું પર્વ અને ઉત્સવ છે. ધાર્મિક મહાત્મ્ય સાથે સાંસ્કૃતિક મહત્વ પણ આ પર્વમાં સમાયેલું છે. નવરાત્રિ સંગીત, નૃત્ય અને ઉજવણીનું પર્વ છે. સૌ કોઇ આ પર્વની આખું વર્ષ રાહ જોતા હોય અને ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે કહ્યું કે, આ વખતની પરિસ્થિતિ થોડી અલગ છે. આખું વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. આપણે પણ આ જ લડાઈ લડી રહ્યા છીએ. માટે પરિસ્થિતિની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને આ વખતે સરકારે દુઃખી હૃદયે નવરાત્રિના આયોજનોની તેમજ ગરબાની મંજૂરી આપી નથી.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, તહેવારોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે પણ જીવ ના જોખમે તહેવારો ઉજવવા એ પણ સમજદારી નથી. અને હું જાણું છું કે, તમે બધા આ વાતથી મારી સાથે સહમત હશો અને પરિસ્થિતિની ગંભીરતાને સમજતા હશો. આ માટે સરકારે આપણા સૌના હિતમાં આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે.

તેમણે કોરોના સંક્રમણના આ કાળમાં સતર્કતા રાખવાની અપિલ કરતાં જણાવ્યું કે, જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક પહેરો, હાથ વારંવાર સાબુથી, સેનેટાઈઝરથી સાફ કરો અને સોશિયલ ડિસ્ટંન્સિગ જાળવો અને તહેવારોના સમયમાં તો થોડી વધારે કાળજી રાખો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શક્તિ ઉપાસના-આરાધનાના આ પર્વે શક્તિવંદના અભિયાન શરૂ કરવાનું આહવાન કરતાં કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ ‘નારી તું નારાયણી’માં માને છે. નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતિક પણ છે.

આપણા જીવનમાં રહેલી દરેક નારી, પછી એ માતાના સ્વરૂપમાં હોય, બહેન હોય, પત્ની હોય કે દીકરી હોય એ દરેક આપણા જીવનમાં, આપણી સફળતામાં, જીવનનાં તમામ ઉતાર ચઢાવમાં શક્તિના સ્વરૂપમાં હાજર રહી છે, તેનો અમુલ્ય ફાળો રહ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

‘‘આવો આપણે સૌ સાથે મળી આ નવરાત્રિમાં શક્તિનાં સ્વરૂપને વંદન કરી તેના યોગદાનને બિરદાવીને સાચા અર્થમાં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને ઉજવીયે’’ એવી અપિલ તેમણે કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ શક્તિવંદના અભિયાન અંતર્ગત તેઓ તા. ૧૯, ર૧ અને ર૩ ઓકટોબરે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી ૯ જેટલી નારીશક્તિ સાથે સંવાદ કરીને તેમની જીવન યાત્રા અને કાર્યોથી પરિચિત થશે અને તેમની વંદના કરશે.

તેમણે સૌને એવી અપિલ પણ કરી કે, દરેક વ્યક્તિના જીવનમાં પ્રેરણા આપનાર, ઉતાર-ચઢાવમાં સાથ આપનારી માતા, બહેન, દિકરી કે પત્નીના નારીશક્તિના યોગદાનને જણાવતો અને તેમનો આભાર વ્યક્ત કરતો વીડિયો નવરાત્રિના આ ૯ દિવસ દરમિયાન કોઈ પણ દિવસે હેશટેગ #Shakti Vandana સાથે સોશિયલ મીડિયા પર સૌ અપલોડ કરે અને કરાવે.

મુખ્યમંત્રીશ્રીએ પોતાના વ્યક્તિગત જીવનમાં નારીશક્તિના યોગદાનનું નિખાલસતાપૂર્વક વર્ણન કરતાં કહ્યું કે, તેમના માતાએ પરિવારમાં તેમના સહિત સૌ ભાઇ-બહેનોનું ઘડતર કર્યુ છે.

પોતાના જીવનમાં સંવેદના, કરૂણા, દયા, અનુકંપા અને નાના માણસો પ્રત્યેનો જે સેવા-મદદ ભાવ છે તેમાં તેમજ દેરાસર, ઉપાશ્રય જેવા ધ્યાન-ધર્મ કાર્યોમાં માતાનું યોગદાન સતત રહેલું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના પત્નીએ પણ સહકાર્યકર્તા અને સમાજસેવી વ્યક્તિત્વ તરીકે તેમની સાથે પૂરક બનીને, એકબીજાને સાથે રાખીને જે સફળતા મેળવી છે તેની પણ મુકત મને વાત શેર કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ તેમની પુત્રીની પણ લાગણીશીલતા, તેમના પ્રત્યેની ચિંતા અને રુજુતા પણ નારીશક્તિના યોગદાનની ભાવવંદના કરતા વર્ણવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ તહેવારોના સમયમાં વધુ કાળજી, સતર્કતા રાખીને માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સીંગ અને વારંવાર હાથ ધોવા-સેનીટાઇઝ કરવા જેવી આદતો કેળવવા સૌને આ સંદેશ દ્વારા હ્વદયપૂર્વક અપિલ કરી હતી.

(5:31 pm IST)