Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

સાસરીમાં જમાઈનું કરાયું રાજા મહારાજા જેવું સ્વાગતઃ પીરસવામાં આવી અધધ ૩૭૯ વાનગીઓ

આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં એવો રિવાજ છે કે મકર સંક્રાંતિના અવસર પર ઘરના જમાઈને જાતજાતની વાનગીઓ પીરસવામાં આવે છે જમાઈ આ વાનગીઓ જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો

 વિશાખાપટ્ટનમ, તા.૧૭: આપણા દેશમાં પ્રત્યેક તહેવારનો સંબંધ ખાણીપીણી સાથે છે. દરેક તહેવારની એક ખાસ વાનગી હોય છે, જેમ કે ઉત્તરાયણમાં ઉંધિયું, દિવાળીમાં ફરસાણ, દશેરામાં જલેબી. તહેવારના દિવસે ઘરમાં ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રવિવારના રોજ મકરસંક્રાંતિના અવસર પર આંધ્ર-દેશના એલુરુ શહેરના એક પરિવારે પોતાના જમાઈને ૩૦-૪૦ નહીં ૩૭૯ વાનગીઓ પીરસી હતી. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા વર્ષોમાં કોઈ પરિવારે પોતાના જમાઈને પીરસેલી વાનગીઓમાં આ આંકડો સૌથી વધારે છે.

ગયા વર્ષે પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નાસાપુરમમાં એક પરિવારે ઉત્તરાયણના અવસર પર પોતાના થનારા જમાઈને ૩૬૫ અલગ અલગ પ્રકારની વાનગીઓ પીરસી હતી. તમને જણાવી દઈએ કે, પાછલા ઘણાં દશકાઓથી આંધ્રપ્રદેશના ઘણાં વિસ્તારોમાં પ્રથા ચાલી રહી છે કે મકરસંક્રાંતિના અવસર પર ઘરના જમાઈની આવભગત કરવી અને તેમના માટે ભવ્ય ભોજની વ્યવસ્થા કરવી.

ઉલ્લેખનીય છે કે ગોદાવરી જિલ્લાની વાનગીઓમાં અઢળક વિવિધતાઓ જોવા મળે છે. અત્યારે જે પરિવારની વાત કરવામાં આવી રહી છે તેમણે પોતાના જમાઈ બુદ્ધા મુરલીધરને આ વાનગીઓ પીરસી હતી. મુરલીધર વિશાખાપટ્ટન નજીક આવેલા અનકાપલ્લી શહેરમાં રહે છે અને વ્યવસાયે આર્કિટેકટ છે. મુરલીધરની પહેલાથી ઈચ્છા હતી કે તેમના લગ્ના ગોદાવરી જિલ્લાની કોઈ યુવતી સાથે થાય.

એલુરુમાં રહેતી કોરુબલ્લી કુસુમાના પરિવારે જ્યારે લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યો તો મુરલીધરે તરત તેનો સ્વીકાર કરી લીધો.ગત વર્ષે ૧૬ એપ્રિલના રોજ તેમના લગ્ન થયા હતા. પ્રથા અનુસાર કુસુમના પરિવારે એક અઠવાડિયા પહેલાથી જ આ વાનગીઓ માટે તૈયારી શરુ કરી દીધી હતી. ૩૭૯ વાનગીઓ પીરસવી એ કોઈ નાની વાત નથી. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કુસુમ જણાવે છે કે, અમે તેમને તમામ વાનગીઓ પીરસવાની યોજના બનાવી હતી. મારા માતા-પિતાને મેન્યુ તૈયાર કરતાં ૧૦ દિવસ લાગ્યા હતા. મારા પતિ આ જોઈને ચોંકી ગયા હતા.

૨૮ વર્ષીય મુરલીધર જણાવે છે કે, મેં તમામ વાનગીઓ ચાખી અને પ્રત્યેત વાનગીનો સ્વાદ અલગ હતો. આ એક અલગ પ્રકારનો અનુભવ હતો. અમારો એક સંયુકત પરિવાર છે અને કુલ મળીને અમે ૨૨ પિતરાઈ ભાઈઓ છીએ, પરંતુ કોઈના પણ લગ્ન ગોદાવરીની યુવતી સાથે નથી થયા. મને લાગે છે કે આવી આગતા સ્વાગતા જોઈને હવે બાકીના લોકો પણ લગ્ન માટે અહીંની કન્યા શોધવાની શરુઆત કરશે

(4:13 pm IST)