Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

અમદાવાદ-કચ્છમાં સ્ટીલ કંપની ઉપર આઇટીનું મેગા સર્ચ ઓપરેશન

૧૮ જગ્યાએ અકસ સ્ટીલ કંપનીમાં તપાસ હાથ ધરાઇઃ અમદાવાદ અને રાજકોટની ટીમોના ધામા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ૧૭:  અમદાવાદ અને કચ્છમાં આવેલી સ્ટીલ કંપની ઉપર આજે આઇટી દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અકસ સ્ટીલ કંપની ઉપર અમદાવાદ અને કચ્છના સામખીયાળીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં રાજકોટ અને અમદાવાદની ટીમો જોડાઇ છે.

ગુજરાતમાં આઇટીના દરોડા સમયઅંતરાલે પડી રહ્યા છે. આજે મેટ્રો સીટી અમદાવાદ અને કચ્છમાં એક સાથે આઇટીના દરોડા પડયા છે. આઇટીના દરોડાથી સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્ટીલનો વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ પર રેડ પાડી છે. એક સાથે ૧૮ સ્થળો પર આવકવેરા વિભાગે તવાઇ બોલાવી છે. આ સ્ટીલ સંબધિત વેપાર પર આઇટીએ દરોડા પાડીને મેગા ઓપરેશન હાથ ધર્યુ છે. આ મેગા ઓપરેશનમાં ૧૦૦થી વધુ અધિકારીઓ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આવકવેરાના  દરોડા સ્ટીલ બિઝનેસમાં પડતા સ્ટીલના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે જેના પગલે ઘણા બધા વેપારીઓ ભૂર્ગભમાં જતા રહ્યા છે. આઇટીના દરોડામાં ભારે બેનામી સંપતિ પકડાવવાની સંભાવના છે. ઓફીસ સહિત તમામ રહેઠાણો પર  એક સાથે આઇટી વિભાગે દરોડા પાડયા છે. આ દરોડામાં તમામના ફોન જપ્ત કરી લીધા છે અને અનેક એકાઉન્ટની વિગતો હાલ તપાસવામાં આવી રહી છે. આ દરોડામાં બ્લેક મની મળી આવવાની સંભાવના છે. નોંધનીય છે કે હાલ મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ આઇટી વિભાગની રેડ ત્રણ ચાર દિવસ સુધી ચાલશે અને અંદાજ લગાવવામાં આવ્યું છે કે બેનામી સંપતિ મળી આવશે.

(4:18 pm IST)