Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

અમદાવાદમાં યોજાશે કેટ ચેમ્‍પિયનશિપ

મ્‍યાઉં મ્‍યાઉં

અમદાવાદ,તા. ૧૭: પ્રાણીઓની એક અલગ દુનિયા છે અને આવી જ અલગ દુનિયા છે પ્રાણીપ્રેમીઓની. આ પ્રાણીપ્રેમીઓ ક્‍યારેક પોતાના પાલતું પ્રાણીનું નામકરણ કરી તેની ઉજવણી કરે છે, જન્‍મદિવસ ઉજવે છે તો લગ્ન સમારંભો પણ યોજે છે. આવી જ એક અલગ પ્રકારની ચેમ્‍પિયનશિપ ફિલાઈન ક્‍લબ ઓફ ઈન્‍ડિયા દ્વારા યોજવામા આવી છે. અમદાવાદમા પહેલીવાર રવિવારે કેટ ચેમ્‍પિયશશિપ યોજાશે, જેમાં ૨૦૦ જેટલા રજિસ્‍ટ્રેશન થઈ ગયા છે. અલગઅલગ પ્રજાતિની બિલાડીઓને તેમના ટેમ્‍પરામેન્‍ટ, ગ્રુમિંગ, વર્તન, સુંદરતા સહિતના માપદંડોને આધારે જજ કરવામાં આવશે.

આ આયોજન દ્વારા બિલાડી પાળતા લોકો ભેગા થશે. તેમને બિલાડી અંગે તેમની કઈ રીતે દેખરેખ રાખવી તે અંગે જાણકારી આપવામા આવશે. આયોજકોનું કહેવાનું છે કે આ પ્રકારનું આયોજન કરી ખાસ કરીને બાળકો અને યુવાનોમાં મૂંગા પ્રાણી પ્રત્‍યે પ્રેમ જગાવવાનો, તેમને તેમની સાથે જોડવાનો ઈરાદો છે. આજના બાળકો અને યુવાનો મોબાઈલમાં મોટા ભાગનો સમય પસાર કરે છે. તેમને આ દુનિયા તરફ ખેંચવાનો એક પ્રયાસ છે.

ખરેખર પાલતુ પ્રાણીઓ એક પ્રકારની દવા તરીકે કામ કરે છે અને તેમના તરફથી અનુકંપા માણસમાં હોવી જરૂરી છે.

(12:18 pm IST)