Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

છોટા ઉદેપુરના નસવાડી કુમાર શાળામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ બાળકોને બદલે ભુંડ પીતા હોવાનો વીડિયો વાયરલઃ મોનીટરીંગની બેદરકારી સામે આવી

દૂધના પાઉચ ભરેલ 4 કેરેટ ભુંડ પીતા હોવાનો વીડિયો ચર્ચાનું કારણ

છોટાઉદેપુર: આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતાં હોય છે, ત્યારે નસવાડી કુમારશાળામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ ભૂંડો પિતા હોવાના વીડિઓ આવ્યા સામે આવ્યો છે. નસવાડી કુમારશાળાના ઓટલે દૂધ સંજીવની યોજનાના દૂધના પાઉચ ભરેલ ચાર કેરેટ દૂધ સપાચટ કરતા ભૂંડોનો વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે. 

આદિવાસી વિસ્તારમાં કરોડોના ખર્ચે ચાલી રહેલ દૂધ સંજીવની યોજનાના પ્રશ્નો અવાર નવાર ઉઠે છે. છતાંય મૌનટરીંગનો અભાવ જોવા મળી રહ્યો છે. બાળકોનું કુપોષણ મુક્ત થવા પાછળ સરકાર ખર્ચો કરે છે. છતાંય દૂધ સંજીવની યોજનાનું દૂધ શ્વાન અને ભૂંડો આરોગી પોષણયુક્ત થઈ રહ્યાની ચર્ચા ચાલી રહી છે.

ગત 14 તારીખના બનાવનો હાલ વીડિયો વાયરલ થયો છે. છોટાઉદેપુરથી દૂધ સંજીવની યોજનાના સત્યાનાશની વધુ તસ્વીરો સામે આવી છે. બોડેલી તાલુકાના વાલોઠી શાળાની બહાર કૂતરા દૂધ પી રહ્યા છે. શાળા કંપાઉન્ડમાં કાર્યરત અંગણવાડીના બાળકોનું દૂધ કૂતરા પી રહ્યા છે. નસવાડીની કુમાર શાળામાં ભૂંડો દૂધ પિતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આદિવાસી બાળકોના પોષણ માટે આદિજાતિ વિભાગ દ્વારા શાળાઓમાં દૂધ અપાય છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામેથી પસાર થતી મોંઢોળા નદીમાંથી દૂધ સંજીવની યોજના હેઠળના દૂધના પાઉચો હજારોની સંખ્યામાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવને લઈ વાલોડ આઇસીડીએસ વિભાગના અધિકારી એ તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક શાળામાં આપવાના થતા પાઉચ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. 

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામની મીંઢોળા નદીમાંથી હજારોની સંખ્યામાં દૂધ સંજીવની યોજનાના પાઉચ મળી આવતા સરપંચ દ્વારા વહીવટી વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવને લઈ દૂધ જરૂરિયાત મંદ બાળકો ને પહોંચે એવી માંગ સરપંચ દ્વારા કરાઈ છે. સમગ્ર મામલે વાલોડ આઇસીડીએસ વિભાગ ના અધિકારીઓ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી જઈ કાર્યવાહી કરતા દૂધ પ્રાથમિક શાળામાં આપવામાં આવતું હોવાનું માલુમ પડતા ઉચ્ચ અધિકારીઓ ને રિપોર્ટ કરવામાં આવ્યો છે. 

રાજ્ય ના બાળકો ને પોષણ મળી રહે એ હેતુ થી રાજ્ય સરકાર દ્વારા સુરત સુમુલ સાથે કરાર કરી દૂધ સંજીવની યોજના શરૂ કરી હતી જે દૂધ પ્રાથમિક શાળા ના બાળકો અને આંગણવાડી ના બાળકો ને આપવાનું હોઈ છે પણ હજારો ની સંખ્યા માં દૂધ ના પાઉચ નદી માંથી મળી આવતા તપાસ નો વિષય ઉઠવા પામ્યો છે. 
 

(11:12 pm IST)