Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

યુવાનોમાં પડેલી સુશુપ્ત શક્તિને બહાર લાવવા "યુવા ઉત્સવ" એક પ્લેટફોર્મ છે : જિ.પં પ્રમુખ પર્યુષાબેન વસાવા

- નહેરૂ યુવા કેન્દ્ર, આઉટ રીચ બ્યુરો, આઈ.ટી.આઈ. વાગડીયાના સંયુક્ત ઉપક્રમે કેવડીયા ખાતે યુવા ઉત્સવ-૨૦૨૩ કાર્યક્રમ યોજાયો:દેશમાં ૧૫૦ સ્થળોએ યુવા ઉત્સવ યોજાશે : ગુજરાતના પાંચ જિલ્લાઓ પૈકી નર્મદા જિલ્લામાં પ્રથમ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા નહેરૂ યુવા કેન્દ્ર નર્મદા, આઉટ રીચ બ્યુરો સુરત,તથા આઈ.ટી.આઈ. વાગડીયાના સંયુક્ત ઉપક્રમે "યુવા ઉત્સવ-૨૦૨૩" નું જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નહેરૂ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેક્ટર મનીષાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નહેરૂ યુવા કેન્દ્રના અધિકારી વી.બી.તાયડે, ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઝાલા, ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સભ્ય પ્રેમપ્યારીબેન તડવી અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શપથ ગ્રહણ કર્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી યુવાનોને સંબોધતા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ નર્મદા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા યોજાઈ રહેલા યુવા ઉત્સવ ૨૦૨૩ ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દેશમાં ૧૫૦ સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના પાંચ જિલ્લાઓ પૈકીના નર્મદા જિલ્લામાં યોજાયેલા યુવા ઉત્સવનો શ્રેય સાંસદશ્રીને જાય છે. યુવાનોમાં પડેલી સુશુપ્ત શક્તિને બહાર લાવવાનું આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે. તેના થકી યુવાનોની પ્રતિભાને વિકસવાની તક મળે છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ખેલ મહાકુંભ દ્વારા દેશને અનેક હોનહાર ખેલાડીઓ મળ્યા છે. તેમાં ડાંગ જિલ્લાની યુવા ખેલાડી સરિતા ગાયકવાડનો સમાવેશ થાય છે. યુવાનોને અપિલ કરતા જણાવ્યું કે, તમારામાં પડેલી શક્તિને દેશ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવું જરૂરી છે. સાથે સાથે રોજગાર, કૌશલ્ય વર્ધન થકી આત્મનિર્ભર તરફ આગળ વધવા અપિલ કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર નહેરૂ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેક્ટર મનિષાબહેન શાહે જણાવ્યું કે, આપણે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને જી-20 નું યજમાન પદ ભારતે લીધું છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને લોકજાગૃતિ અંગે યુવાઉત્સવ થકી કામ થઈ રહ્યું છે. યુવાનોના હાથમાં મોબાઈલ હોય છે. પણ તેનો સદઉપયોગ કરીને પોતાના કારકિર્દી ઘડવા અપિલ કરી હતી અને દેશની આઝાદીમાં યોગદાન આપનાર હીરોને પણ યુવાપેઢી ઓળખે સમજે અને તેના વિશે માહિતગાર થાય તે આવશ્યક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર પ્રતિભાગીતાઓમાંથી પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે આવેલા સ્પર્ધકોને રાજ્યકક્ષાએ પોતાની પ્રતિભાને ઉજાગર કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે.
વધુમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, આઉટ રીચ બ્યુરો, પ્રાદેશિક કચેરી સુરત દ્વારા “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ - સંકલ્પથી સો ટકા સિધ્ધિ” વિષય પર એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં રાજ્ય સરકારના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતી સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી સહિત બર્ક ફાઉન્ડેશન, અદાણી ફાઉન્ડેશન સહિત વિવિધ પ્રદર્શન સ્ટોલ્સ દ્વારા યુવાનોને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરીને જાગૃત કરવામાં આવ્યા હતા

(10:17 pm IST)