Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

અમદાવાદ:નિવૃત્ત ક્લાસ 2 અધિકારીના પુત્રએ રૂપિયાના વરસાદની લ્હાયમાં.94 લાખ ગુમાવ્યા

તાંત્રિકે વિધિના નામે અધિકારીના પુત્રને શિષ્ય બનાવી 3 વાહનો, દાગીના તથા જમીન નામે 94 લાખ રૂપિયા પડાવી લીધા

અમદાવાદ :. રીટાયર્ડ ક્લાસ ટુ અધિકારીના પુત્ર એક ઠગ વ્યક્તિની જાળમાં ફસાઈ જતા તેઓએ 94 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. વર્ષ 2016માં જ્યારે તેઓ કોઈ કામ ધંધો કરતા ન હતા ત્યારે હિતેશ ઉર્ફે ઘનશ્યામ યાજ્ઞિકના તાંત્રિકના સંપર્કમાં આવ્યા હતા. આ હિતેશ ઉર્ફે ઘનશ્યામ તંત્ર-મંત્રની વિદ્યાર્થી આર્થિક મુશ્કેલીઓ દૂર કરી અઢળક રૂપિયાનો વરસાદ વરસાવવાની લાલચ આપી અલગ-અલગ વિધિના નામે અધિકારીના પુત્રને શિષ્ય બનાવી 3 વાહનો, દાગીના તથા જમીન નામે 94 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર બાબતને લઈને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં  હિતેશ નામના વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી જયમાં સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ મહોરોવાલાના પિતા બંસીલાલ ગુજરાત સરકારમાં કુટીર ઉદ્યોગમાં નોકરી કરતા હતા અને ક્લાસ ટુ અધિકારી તરીકે રિટાયર્ડ થઈ હાલ નિવૃત જીવન ગુજારે છે. વર્ષ 2010માં જીગ્નેશ ભાઈને તેમના એક મિત્ર થકી તેમની ભાભી સાથે ઓળખાણ થઈ હતી. જે તે સમયે જીગ્નેશ ભાઈ કોઈ કામ ધંધો કરતા ન હોવાથી તેઓએ આ મહિલાને વાત કરી હતી. જીગ્નેશભાઈના મિત્રના ભાભીના ઘરે હિતેશ ઉર્ફે ઘનશ્યામ યાગ્નિક નામનો વ્યક્તિ આવતો જતો હતો અને તેની સાથે જીગ્નેશ ભાઈની મુલાકાત થઇ હતી.

હિતેશભાઈ નામનો વ્યક્તિ જ્યોતિષ કામ જાણતો હોવાથી અને પોતે કાશ્મીરી બાપુ જુનાગઢ વાળાના શિષ્ય હોવાથી અને તંત્ર મંત્રથી સમસ્યા દૂર કરી આપશે તેવો જીગ્નેશભાઈને વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં આ હિતેશભાઈ નામના વ્યક્તિએ જીગ્નેશભાઈને જણાવ્યું કે તેમના ઘરમાંથી અમુક ચીજવસ્તુ નડતરરૂપ હોવાથી તે કાઢી નાખો અને થોડા દિવસ પછી હિતેશભાઈ જીગ્નેશ ભાઈના ઘરે આવ્યા હતા અને એક કુલડી દાટી અને સમસ્યાનું સમાધાન થઇ જશે તેવું જણાવ્યું હતું.

બાદમાં જ્યારે જ્યારે હિતેશભાઈ વિધિ માટે કહેતા ત્યારે ત્યારે જીગ્નેશભાઈ તે વિધિ કરતા હતા અને હિતેષભાઈએ જીગ્નેશ ભાઈ નો વિશ્વાસ અને ભરોસો જીતી વર્ષ 2016 થી તેઓને આશ્રમ બનાવવા તથા ધાર્મિક વિધિ કરવાના નામે પૈસા લેવાનું ચાલુ કર્યું હોવાથી જીગ્નેશ ભાઈ પૈસા હિતેશભાઈ નામના વ્યક્તિને આપતા હતા. બાદમાં એક દિવસ હિતેશભાઈ નામના તાંત્રિકે જીગ્નેશભાઈને કચ્છની એક જમીન તેઓને ઓછા ભાવે મળતી હોવાનું કહી તે જમીન લઈ મોટી કંપનીને ઊંચા ભાવે વેચાણ કરી રૂપિયા કમાવી આપશે તેવી લાલચ આપી હતી.
જેથી જીગ્નેશભાઈએ તેમના પિતરાઈ ભાઈ પાસે આ જમીન લેવાની તૈયારી બતાવી હતી અને ટુકડે-ટુકડે હિતેશના બેંક ખાતામાં 63 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ જીગ્નેશભાઈ એ પોતાની બહેનોની તથા પિતાની એફડી ના કુલ 17 લાખ રૂપિયા રોકડા તથા બચતના આઠ લાખ રૂપિયા રોકડા વિધિના નામે આ હિતેશ નામના તાંત્રિકને આપ્યા હતા. બાદમાં હિતેશ યાજ્ઞિકે જીગ્નેશ ભાઈ નો વિશ્વાસ કેળવી તંત્ર-મંત્રની ગુઢ વિદ્યા શીખવી અઢળક રુપિયા કમાવી આપશે એવો ભરોસો અપાવી પોતાને શિષ્ય તરીકે રાખ્યો હતો.
બાદમાં હિતેશ યાજ્ઞિક નામના વ્યક્તિએ પોતે જીગ્નેશ ભાઈનો ગુરુ હોવાનો ઢોંગ કરી અલગ અલગ પ્રકારની તંત્ર મંત્રથી વિધિઓ કરી તેમની પાસેથી 3 એકટીવાના નાણાં પડાવ્યા હતા. બાદમાં ઘરમાં રહેલા દાગીના હિતેશ યાજ્ઞિકે ગાળીને શુદ્ધ કરવા મૂકવા પડશે તેવી અંધશ્રદ્ધા ઊભી કરી ચારેક લાખ રૂપિયાના દાગીના પડાવી લીધા હતા.

આમ વર્ષ 2016થી 2020 સુધીમાં આરોપી હિતેશ ઉર્ફે ઘનશ્યામ યાજ્ઞિકે તંત્ર મંત્રની વિદ્યાથી જીગ્નેશ ભાઈની આર્થિક મુશ્કેલીઓ દૂર કરી અઢળક રૂપિયાનો વરસાદ વરસાવવાની લાલચ આપી અંધવિશ્વાસમાં રાખી તાંત્રિકવિધિના નામે તેઓને શિષ્ય બનાવી વિદ્યા શીખવાડી આશ્રમમાં જગ્યા અપાવવાના બહાને ત્રણ એકટીવા તથા ચાર લાખના દાગીના અને જમીનના નામે 89 લાખ રૂપિયા મળી કુલ 94 લાખ રૂપિયા લઇ વિશ્વાસઘાત કરતા જીગ્નેશ ભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:24 am IST)