Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

લોકડાઉનનો ભંગ કરનારા સામે પાસા ઉગામી ન શકાય

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદ તા. ૧૭ : લોકડાઉનના નિયમોના ભંગ બાબતે પોલીસ સાથે બોલાચાલી કરનારા સેંકડો લોકો કે જેમની સામે PASA હેઠળ ગુનો નોંધાયો છે તેમના માટે રાહતના સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું, લોકડાઉનના નિયમોનો ભંગ કરનારા જેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુનો નોંધાયો છે તેમને ખતરનાક વ્યકિત ગણી શકાય નહીં અને માટે તેમની સામે PASA હેઠળ ફરિયાદ દાખલ ના કરી શકાય.

કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા માટે લોકડાઉન જાહેર કરાયું હતું. આ દરમિયાન રાજયભરમાં પોલીસકર્મીઓ લોકડાઉનના નિયમોનું પાલન કરાવતા હતા ત્યારે ભંગ કરનારા હજારો લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. તેમાંથી સેંકડો લોકોએ પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી. પોલીસે લીધેલા પગલાનો વિરોધ કરતા અને કથિત રીતે પોલીસને ફરજ બજાવતી રોકતાં આવા લોકો સામે ગુજરાત પોલીસે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એકિટવિટિઝ એકટ (PASA) હેઠળ ગુનો નોંધ્યો હતો.

લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા જ એક આરોપી છે મહેસાણાના પ્રકાશજી ઠાકોર. પોલીસકર્મીઓના કામમાં આડે આવવા બદલ તેમની સામે આઇપીસી વિવિધ કલમો, એપેડેમિક ડિઝાસ્ટર એકટના સેકશન ૩ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટના સેકશન 51a અને 51b હેઠળ ગુનો નોંધાયો હતો. પ્રકાશજી ઠાકોરના પિતાએ પાસાના ઓર્ડરને પડકાર્યો હતો. જ્ત્ય્ વાંચ્યા પછી જસ્ટિસ એસ. એચ. વોરાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે, પોલીસને લોકડાઉનના નિયમોનું પાલન કરાવતા રોકવાનો આરોપ છે. હાઈકોર્ટે આગળ કહ્યું, 'પાસા એકટની કલમ ૨(ઘ્)માં દર્શાવેલી ખતરનાક વ્યકિતની વ્યાખ્યા જોતાં લાગે છે કે, એપેડેમિક ડિઝાસ્ટર એકટ, ૧૯૮૭ના સેકશન ૩ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ના સેકશન 51a અને 51bનો ઉલ્લેખ નથી. પ્રકાશજી ઠાકોર પર લગાવાયેલી આઇપીસીની કલમો ૧૪૩, ૧૪૭, ૩૩૨, ૩૩૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૮૬ અને ૧૮૮ પણ આઇપીસીના ચેપ્ટર XVI અથવા XVII હેઠળ આવતી નથી. પાસાના સેકશન 2(c) મુજબ ખતરનાક વ્યકિત એટલે જેણે પોતે અથવા તો કોઈ લીડર ગેંગના સભ્ય તરીકે વારંવાર ગુનો આચર્યો હોય અથવા કોઈ પણ ગુના માટે ઉશ્કેરણી કરી હોય તો આઇપીસીના ચેપ્ટર XVI અથવા XVII હેઠળ સજાને પાત્ર છે અથવા આર્મ્સ એકટ, ૧૯૫૯ના ચેપ્ટર V હેઠળ સજા પાત્ર છે.' હાઈકોર્ટે કહ્યું, 'વ્યાખ્યા પ્રમાણે વારંવાર અથવા સતત ગુના નોંધાયેલા હોવા જોઈએ. પરંતુ અહીં તો પ્રકાશજી ઠાકોર સામે માત્ર એક એફઆઇઆર નોંધાયેલી છે.' માટે હાઈકોર્ટે ડિટેન્શન ઓર્ડર રદ્દ કર્યો હતો.

(12:56 pm IST)