Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સુરતના પાલનપુરનો ચર્ચિત કિસ્સો:આર્થિક તંગી દૂર કરવા મહિલાએ મિત્રના ઘરમાંથી જ 3.65 લાખના દાગીનાની ચોરી કરી

સુરત:પાલનપુર ગામ સ્થિત શિવ ટેરેસ કોમ્પ્લેક્ષમાં ભર દિવસે ડાયમંડ ફેક્ટરીના મેનેજરના ફ્લેટનું તાળું ડુપ્લીકેટ ચાવી વડે ખોલી રૂા. 3.56 લાખની મત્તાના સોનાના દાગીના ચોરી કરનાર મહિલાને ઝડપી પાડી છે. ઝડપાયેલી મહિલા મેનેજરની પત્નીની ફ્રેન્ડ છે અને પૈસાની જરૂરિયાત હોવાથી ચોરી કર્યાની કબૂલાત કરી છે.

પાલનપુર ગામ મથુરા નગરી નજીક શીવ ટેરેસ કોમ્પ્લેક્ષમાં ફ્લેટ નં. બી 703માં રહેતો અને વરાછાની રવાણી જેમ્સમાં મેનેજર તરીકે નોકરી કરતો હિતેશ માધુભાઇ ગલચર અને તેમની પત્ની મીનાક્ષી ચાર દિવસ અગાઉ રાબેતા મુજબ નોકરી પર જવા નીકળી ગયા હતા. સાંજે 6 વાગ્યે મીનાક્ષી પરત આવી ત્યારે મુખ્ય દરવાજાનું તાળુ જે તે સ્થિતીમાં હતું પરંતુ બેડરૂમના કબાટમાંથી રૂા. 3.56 લાખના દાગીના ગાયબ હતા. આ ઘટનામાં અડાજણ પોલીસ મથકના પીએસઆઇ એસ.વી. ચૌધરી અને કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ સહિતના સ્ટાફે હિરલ તેજસ દેસાઇ (રહે. વાવ ફળીયું, સાંધીયર ગામ, તા. ઓલપાડ) ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે હિરલ મીનાક્ષી સાથે ક્રેડિટ કાર્ડ કંપનીમાં નોકરી કરે છે. હિરલને પૈસાની જરૂર હોવાથી દસેક દિવસ અગાઉ મીનાક્ષીએ સોનાની ચેઇન ગીરવે મુકવા આપી હતી તે દરમ્યાન હિરલની નજર દાગીના ઉપર પડી હતી. પૈસાની જરૂરિયાતને પહોંચી વળવા હિરલે મીનાક્ષી ઓફિસે આવ્યા બાદ તે બેધ્યાન થઇ ત્યારે પર્સમાંથી ચાવી કાઢી લઇ ચોરીનો કસબ અજમાવી પરત ચાવી મુકી દીધી હતી.

(6:13 pm IST)