Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

વિસનગરના કંસારાકુઈ ગામની સીમમાં મેડિકલ વેસ્ટર્ન ગ્લોઝનો ગોરખધંધાનો પર્દાફાશ:પોલીસે બાતમીના આધારે ગોડાઉન સીલ કર્યું

વિસનગર:તાલુકાના કંસારાકુઈ ગામની સીમમાં મેડિકલ વેસ્ટના ગ્લોઝનો ગોરખધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પ્રાન્ત ઓફીસરે ઓચિંતી રેડ કરી હતી અને ફેક્ટરીને સીલ મારવામાં આવ્યું હતું. અગાઉ ઉમતામાં કોસ્મેટીક વસ્તુઓના ઓથાતળે ચાલતી આ ફેક્ટરી સામે કાર્યવાહી કરવા તંત્રના એકપણ વિભાગે કાર્યવાહીની જવાબદારી નહી સ્વીકારતા પ્રાન્ત ઓફીસરને સોમવારના દિવસે લાગતા વળગતા વિભાગોની તાત્કાલીક મિટીંગ બોલાવવાની ફરજ પડી હતી. કોરોના મહામારીમાં મેડિકલ હેન્ડ ગ્લોઝની માંગ વધતા મેડિકલ વેસ્ટના ગ્લોઝને સાફ કરી રિયુઝ કરવાનો વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામની સીમમાં ગોરખધંધો પકડતા તંત્ર ચોંકી ઉઠયું છે. 

૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ વિસનગર પ્રાન્ત ઓફીસર સીસી પટેલને માહિતી મળી હતી કે કંસારાકુઈ ગામની સીમમાં ગણેશપુરા રોડ ઉપર આવેલ મહાલક્ષ્મી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં મેડિકલ વેસ્ટના ગ્લોઝ પાથરી તેને વોશીંગ કરવામાં આવી રહ્યા છે. ૫૦ થી ૬૦ જેટલા મજૂરો રાખી મેડિકલ વેસ્ટના ગ્લોઝની પ્રોસેસ કરવામાં આવે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ગોરખધંધાની માહિતી મળતા રાષ્ટ્રીય પર્વની જાહેર રજા હોવા છતાં પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલે મામલતદાર બી.જી.પરમાર, તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલ સહિતની ટીમ સાથે ઓચિંતી તપાસ કરી હતી. આખા ગોડાઉનમાં વાદળી કલરના રબ્બરના ગ્લોઝ પાથરેલા જોવા મળ્યા હતા. ગોડાઉનમાં તપાસ કરતા ગ્લોઝ વોશીંગ કરવાના ડ્રમ મળી આવ્યા હતા. જેમાં મેડિકલ વેસ્ટના ગ્લોઝ સાફ કરવામાં આવતા હતા. જોકે પ્રાન્ત ઓફીસરના ચેકીંગ પહેલા કંસારાકુઈ ગામના સરપંચ અંબાલાલ પટેલે ગોડાઉનની મુલાકાત લેતા ચેતી ગયેલા ગોડાઉનના સંચાલકે ગ્લોઝનું શોર્ટીંગ અને વોશીંગ કરતા મજૂરોને છૂટા કરી દીધા હતા.

(6:18 pm IST)