Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કરજણ તાલુકાના વલણ ગામે હોસ્પિટલ નજીક ખેતરમાંથી 19 વર્ષીય યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો:પોલીસે તપાસ હાથ ધરી

કરજણ:તાલુકાના વલણ ગામે હોસ્પિટલની નજીકના ખેતરમાંથી ૧૯ વર્ષની યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

આ અંગેની વિગત એવી છે કે ભરૃચ જિલ્લાના પાલેજ ગામે કપાસીયા હોલ વિસ્તારમાં રહેતી મીના શનાભાઇ ઠાકોરની પુત્રી પ્રિયંકાના લગ્ન આણંદ તાલુકાના માજીયાપુરા ગામે રહેતા શૈલેષ ચૌહાણ સાથે થયા હતાં. લગ્ન બાદ પ્રિયંકા સગર્ભા થતા પિયરમાં આવ્યા બાદ એક પુત્રીને જન્મ આપ્યો હતો જે હાલ બે માસની છે.તા.૧૪ના રોજ બપોરે પ્રિયંકા પોતાને શરદી-ખાંસી થઇ છે અને પુત્રીની માલિશની દવા સહિતની વસ્તુઓ લેવા માટે પોતે પાલેજ સરકારી દવાખાને અને મેડિકલ સ્ટોરમાં જાય છે તેમ માતાને કહી ઘેરથી નીકળ્યા બાદ તે પરત ફરી ન હતી. સાંજ સુધી પ્રિયંકા ઘેર પરત નહી ફરતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બીજા દિવસે તા.૧૫ની બપોરે પાડોશીએ મોબાઇલમાં એક લાશનો ફોટો મીનાબેનને બતાવતા તે પુત્રી પ્રિયંકાનો જ હતો.પ્રિયંકાની લાશ વલણ હોસ્પિટલની નજીકના ખેતરમાંથી મળી હતી. કરજણ પોલીસે જણાવ્યું હતું કે યુવતીની લાશની પાસે ઝેરી દવાની બોટલ મળી હતી. જો કે યુવતીના મોતનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. પાલેજથી વલણ ગામ સુધી યુવતી કેવી રીતે પહોંચી તે અંગે પણ રહસ્ય છે.

(6:19 pm IST)