Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર, ભુજ તથા કડીમાં જળઝીલણી એકાદશીની ઉજવણી કરાઈ

દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર માસને ચાતુર્માસ કહેવાય છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે. 

ભાદરવા સુદ- એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે. આ એકાદશીને જળઝીલણી એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીનું શાસ્ત્રોક્ત દ્રષ્ટીએ મહત્વ જણાવતાં પંચરાત્રની અનંતસહિતાના દસમાં અધ્યાયમાં લખ્યું છે કે,' ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાનને ૧૦૦૧ કળશથી નવા જળનો અભિષેક કરવો જોઈએ.'

પંચરાત્રની નારાયણ સંહિતના એકવીસમાં અધ્યાયમાં પ્લવોત્સવમાં કહ્યું છે કે, તળવાને કાંઠે એક મંડપ બાંધવો. વર્ષાઋતુનાં વાદળાં ઘેરાય તે પહેલા આ ઉત્સવ માટે ભગવાનને મંડપમાં પધરાવી પૂજા કરવી. ત્યારબાદ સહસ્રધારાથી તેઓની પૂજા કરવી. સ્નાન કરાવી નવા વસ્ત્રો-અલંકાર ધારણ કરાવી ઠાકોરજીને નાવમાં બેસાડવા, તથા સંતો-વિદ્વાનોને પણ નાવમાં બેસારવા અને સ્તુતિ-કીર્તન-ભજન ગાવવાં.

આ જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી ભગવાનની મૂર્તિને નાવમાં પધરાવીને ઉત્સવ કરવાની રીતિ ચાલી આવી છે તેમ માનવામાં આવે છે. 

સ્વયં ભગવાન કહે છે કે, “ મારા પોઢવાના દિવસે ( દેવશયની એકાદશી ), મારા ઊઠવાના દિવસે (પ્રબોધિની એકાદશી) ને મારા પડખા ફેરવવાના દિવસે (પરિવર્તિની – જળઝીલણી એકાદશી) – વ્યક્તિ દૂધ, જળ કે ફળ- પત્ર આરોગે છે, તે મારા હૃદયમાં શૂળ ભોંકે છે.” અર્થાત આ ત્રણે એકાદાશીઓ સંપૂર્ણ નિર્જળા કરવી જ જોઈએ. 

શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરુપે દર્શન આપતા હતા ત્યારે તેમણે પણ ગઢપુર, કારીયાણી, અમદાવાદ આદિ અનેક સ્થળોએ ઘણી વખત જળ ક્રિડા કરી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જળક્રિડાની લીલાનું માત્ર શ્રવણ કરવામાં આવે તો પણ જન્મ અને મરણના દુ:ખને ટાળી નાંખી છે. તેથી શાસ્ત્રોમાં જ્યાં-જયાં આવી ભગવાનની લીલાનું શ્રવણ કરવાથી તેનું વિશેષ ફળ મળે છે. આ પાવન પર્વે સત્સંગની માં સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ કીર્તનની રચના કરી છે.

 *નૌકા મેં ઘનશ્યામ, વિરાજત નૌકા મેં ઘનશ્યામ,*

*ધ્વજ તોરણ જુત નવ મનોહર, ગાવત ભક્ત વૃંદ...*

જળઝીલણી એકાદશીનો મંગલ ઉત્સવ સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાન્નિધ્યમાં તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ભવ્યતા અને દિવ્યતાસભર ભક્તિભાવથી ઊજવવામાં આવ્યો હતો. 

વિશાળ જળપાત્રમાં મનોરમ્ય નૌકામાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે જળવિહાર કરતા શ્રી ઠાકોરજીનાં દર્શન અને પ્રાર્થના કરી હતી. ભક્તિભાવપૂર્વક શ્રી હરિકૃષ્ણ મહારાજ – શ્રી ઠાકોરજીને જળવિહાર કરાવી રહેલા આચાર્ય સ્વામીજી મહારાજના દર્શને સંતો-ભક્તોનાહૈયે સદાયને માટે દિવ્યતાનાં આંદોલનો પ્રસરાવી દીધાં હતાં. 

આમ, જળઝીલણી એકાદશીના પર્વે સૌએ પુષ્પાંજલિ અને આરતી અર્પણનો લાભ લીધો. સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું. ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરની જેમ ભુજ-કચ્છ તેમજ કડીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરે પણ મહંત સદ્ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી તેમજ મહંત શ્રી યોગેશ્વરદાસજી સ્વામી આદિ પૂજનીય સંતો સહ જળઝીલણી એકાદશી અનેરા મહાત્મ્યસભર ઉજવણી કરવામાં આવી હતી.

(4:28 pm IST)