Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧મા જન્મદિવસે ‘ગરીબોની બેલી સરકાર’ અન્વયે ગુજરાત ભરમાં ૪૦૦ થી વધુ સ્થળોએ યોજાયા ગરીબ હિતકારી સેવા કાર્યક્રમો.

અમદાવાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતી: નરેન્દ્રભાઈએ વિકાસની બુનિયાદ રચી છે તેના કેન્દ્રમાં ગરીબ-વંચિત-છેવાડાના માનવીના શિક્ષણ-આરોગ્ય- રોજી-રોટી, આવાસ અને માળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપી:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની જે બુનિયાદ રચી છે તેના કેન્દ્રમાં ગરીબ, વંચિત, અંત્યોદય અને છેવાડાના માનવીના શિક્ષણ, આરોગ્ય, આવાસ અને માળખાકીય સુવિધાઓને પ્રાયોરિટી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસે ‘ગરીબોની બેલી સરકાર’ અન્વયે આયોજિત ગરીબ હિતકારી સેવા કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદથી કરાવ્યો હતો.
સમગ્ર રાજ્યમાં જિલ્લા-તાલુકા-નગર-મહાનગર કક્ષાએ ૪૦૦ જેટલા આવા કાર્યક્રમોના આયોજનથી ઉજવલા 2.0 યોજનામાં વિનામૂલ્યે ગેસ કનેકશન, નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય તેમજ ગ્રામીણ સ્વચ્છતા-સફાઇના વ્યાપક કામો અને શહેરી સ્લમ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઔષધાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, ગરીબોના વિકાસના નામે થાગડ-થીગડ યોજનાઓ બનાવી ગરીબોના નામે વાહવાહી મેળવવાના યુગનો ગરીબોના બેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અંત લાવી દીધો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીના ૭૧માં જન્મદિવસે ગરીબોના બેલી તરીકે આપણે ઘર-ઘર શૌચાલય, ઉજજવલા યોજના-2, પંડિત દિનદયાળ ઔષધાલય યોજના સહિતની ગરીબલક્ષી યોજનાઓનો વિસ્તાર કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજના -2.0 અંતર્ગત ગુજરાતમાં પાંચ લાખથી વધુ ગરીબ પરિવારોને રાંધણ ગેસ કનેકશન આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં ગુજરાતના ૨૯ લાખ કુટુંબોને લાભ મળ્યો છે.
તેમણે ગરીબો પ્રત્યેની સરકારની કટિબદ્ધતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોઈ ગરીબ ભુખ્યો ન સુવે તેની કાળજી પ્રધાનમંત્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે રાખી છે અને ૭૧ લાખ અંત્યોદય ગરીબ પરિવારના સાડા ત્રણ કરોડ લોકોને વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં આપણે રુ. ૩,૩૩૮ કરોડ રૂપિયાનું અનાજ ગરીબોને વિના મૂલ્યે આપ્યું છે. સાથે જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૩.૫૦ કરોડ લોકોને વિનામૂલ્યે રાશન પણ પુરુ પાડવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આઝાદીના ૭૦ વર્ષ પછી દેશના કોઈ પ્રધાનમંત્રીએ નિર્ણય કર્યો કે આપણો દેશ સ્વચ્છ હોય અને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્તિ માટેનું અભિયાન શરુ કરવામાં આવ્યું.  
આ અભિયાન હેઠળ ગુજરાતમાં કુલ ૩૭ લાખથી વધુ શૌચાલયોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં પાંચ લાખ વ્યક્તિગત શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ૨૦૧૭માં ગુજરાત ઓપન ડિફેકશન ફ્રી(ઓડીએફ) રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રીએ આ અવસરે આરોગ્ય સેવાના વિસ્તારની વિગતો આપતા કહ્યું કે, જ્યાં માનવી ત્યાં સુવિધા એ આપણો મંત્ર છે. આ ધ્યેયમંત્રને ચરિતાર્થ કરતા રાજ્યના મહાનગરોમાં સ્લમ એરિયામાં શ્રમિકને ઘરની નજીકમાં આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ૨૫૦ જેટલા પંડિત દિનદયાળ ઔષધાલયનો આજથી શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આ ઔષધાલયોમાં ગરીબો-શ્રમિકો અને શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર મળશે.
મુખ્યમંત્રીએ કોરોનાકાળમાં માતા અથવા પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને સહાય યોજનાની વિગતો આપી હતી. કોરોનાકાળમાં તેમ જ ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવી ચુકેલા ૧૭૬ તેમજ માતા કે પિતા બેમાંથી કોઈ એકનું અવસાન થયું હોય તેવા ૮,૫૦૦ આમ કુલ ૮,૬૭૬ નિરાધાર બાળકોને સહાયની ચૂકવણી સીધી જ બેંક ખાતામાં કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના રસીકરણ અભિયાન અંગે જણાવ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસે રાજ્યભરમાં વેકસીનેશન મહાઅભિયાન આદરીને ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરનારા ૭૧૦૦ ગામોના સરપંચોને સન્માનપત્ર અપાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ જ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવ્યું હતું. ૧૦૦ ટકા કોવીડ વેક્સિન પૂર્ણ કરેલા પાંચ ગામોના સરપંચશ્રીઓને સન્માનપત્ર એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં મેયર કિરિટભાઈ પરમાર, ધારાસભ્ય સર્વ પ્રદિપસિંહ જાડેજા, રાકેશ શાહ, કિશોર ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ, પૂર્વ મેયર અમિતભાઈ શાહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ પંકજ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ  એ.કે.રાકેશ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર સોનલ મિશ્રા, અમદાવાદ મ્યુનિસિપ કમિશનર મુકેશ કુમાર, જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

(6:31 pm IST)