Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

આજથી કેન્‍દ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં : તમામ કલેકટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક

ચૂંટણી પંચની ટીમ મતદાર યાદી સુધારણા સહિતના મુદ્દાઓ પર કરશે ચર્ચા

અમદાવાદ તા. ૧૭ : ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્‍દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્‍દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્‍ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. કેન્‍દ્રીય ચૂંટણીપંચના ૯ સભ્‍યોનું ડેલિગેશન આજથી ગુજરાત આવશે. શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ સુધી ગુજરાતમાં અનેક બેઠકો યોજાશે. ચૂંટણીપંચના ડેલિગેશનમાં ૩ ડેપ્‍યુટી ચૂંટણી કમિશનરો પણ સામેલ રહેશે.

કેન્‍દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ અંતિમ મતદાર યાદી બાબતે પણ રાજય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તદુપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો છે તે બાબતે પણ ખાસ ચર્ચા કરાશે. કેન્‍દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો અને સુરક્ષા વ્‍યવસ્‍થા સહિતના મુદ્દાઓ પર નિરીક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજય ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્‍યો છે. ત્‍યારે હવે અંતિમ મતદાર યાદી બાબતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્‍યારે રાજયમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયા બાદ આગામી મહિનાની એટલે કે ૧૦ ઓક્‍ટોબર ૨૦૨૨દ્ગક આસપાસ અંતિમ મતયાદી જાહેર કરવામાં આવી શકે છે. મહત્‍વનું છે કે ૨૦૨૨ની ચૂંટણીને લઇને કેન્‍દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન પ્રથમ વાર ગુજરાત આવી રહ્યું છે. ત્‍યારે કેન્‍દ્રીય ચૂંટણી પંચની સીધી નજર હવેથી ગુજરાતની ચૂંટણી પર રહેશે.

ઉલ્લેખનીય છે કે, કેન્‍દ્રીય ચૂંટણી પંચની ગુજરાત મુલાકાત અગાઉ જ રાજય સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્‍યું હતું. જેમાં ગાંધીનગર કલેક્‍ટર ડો. કુલદીપ આર્યાને અધિક મુખ્‍ય નિર્વાચન અધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે. જયારે ગાંધીનગર કલેક્‍ટર તરીકે ગાંધીનગર DDO ડો. સુરભી ગૌતમને ચાર્જ સોંપાયો છે.

(1:08 pm IST)