Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ગુજરાત બાંધકામ સાઇટો પર ૧૪ વર્ષમાં ૧૨૮૫ મોત

૨૦૦૮ થી ૨૦૨૧ દરમ્યાન અકસ્માતની ૧૭૩૦ ઘટનાઓ

અમદાવાદ, તા.૧૭: એક આરટીઆઇના જવાબમાં પોલીસ દ્વારા અપાયેલ આંકડાઓ અનુસાર, ગુજરાતમાં ૨૦૦૮ થી ૨૦૨૧ દરમ્યાન બાંધકામની સાઇટો પર ૧૭૩૦ અકસ્માતની ઘટનાઓમાં ૧૨૮૫ મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ૪૪૫ને ઇજાઓ થઇ હતી.

વિપુલ પંડયા નામના આરટીઆઇ એકટીવીસ્ટની અરજીના જવાબ અનુસાર, શ્રમિકોના સૌથી વધારે ૧૩૭ મોત ૨૦૧૮માં થયા હતા, ત્યાર પછી ૧૩૫ મોત ૨૦૨૨માં હતા જયારે કોરોનાની ખતરનાક બીજી લહેર હતી.

કોરોનાની પહેલી લહેર વખતે, જયારે લોકડાઉન અને કર્ફયુ લાગુ હતા ત્યારે ૨૦૨૦માં પણ ૭૪ બાંધકામ શ્રમિકોના મોત થયા હતા અને ૧૦ને ઇજાઓ થઇ હતી. સાત બાંધકામ શ્રમિકોના મોત પછી પંડયાએ ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય વિભાગને બાંધકામ શ્રમિકોની સુરક્ષા માટેની ઝીરો એકસીડન્ટ પોલીસીની માંગણી કરતી અરજી કરી છે.

વિપુલ પંડયાએ કહ્યું કે બાંધકામની સાઇટો પર મજુરો માટે સુરક્ષા કાનુનો લાગુ કરવા માટેના ચેકીંગ થતા નથી અને જેમને સુરક્ષા અંગે નોટીસો અપાઇ હોય ત્યા બીજીવાર ચેક કરવા પણ સતાવાળા નથી જતા. તેમણે કહ્યું કે ૨૦૨૧માં કન્સ્ટ્રકશન સાઇટો પર ૧૩૫ મોત થયા હતા જેમાં અમદાવાદ શહેરના ૪૯ પણ સામેલ છે. પંડયાએ કહ્યું કે બાંધકામ શ્રમિકો મોટા ભાગે આદિવાસી જાતિઓના છે, જેમને રોજગારી મેળવવા જોખમી પરિસ્થિતીમાં કામ કરવુ પડે છે.

(3:51 pm IST)