Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ગાંધીનગર નજીક આઇસરની ટક્કર મોપેડ સવાર પિતા-પુત્ર સહીત ત્રણ લોકોના મૃત્યુથી અરેરાટી મચી જવા પામી

દહેગામ :  ગાંધીનગર જિલ્લાના માર્ગો પર બેફામ દોડતા વાહનોના લીધે અનેક અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે ગત રાત્રે આવો એક વધુ ગમખ્વાર અકસ્માત દહેગામ - રખિયાલ હાઈવે પર સર્જાયો હતો.  અકસ્માતમાં મેસ્ટ્રો ટુ વ્હીલરને હાઈવે પરથી બેફામ ગતિએ પસાર થતા આઇસરએ ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે મેટ્રો ૧૦૦ ફૂટ જેટલું રોડ ઉપર ઢસડાયું હતું. મેસ્ટ્રો પર સવાર પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર આઈસરનો ચાલક ઘટના સ્થળેથી ભાગી છુટયો હતો. અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા બાદમાં મૃતકોને દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામ ખાતે રહેતા ધૂળીબેન રોહિતજી ઠાકોર ની પુત્રીને દહેગામ ખાતે આવેલી એક હોસ્પિટલમાં એડમિટ કરેલ હોવાથી તેઓ તેની સાથે હતા આ દરમિયાન તેઓ તથા તેમના સંબંધી ભીખુસિંહ મારુસિંહ સોઢા  અને ભીખુસિંહનો પુત્ર દીક્ષિત ભીખુસિંહ સોઢા ન્હાવા ધોવા માટે દહેગામ નજીક આવેલ રામપુરા ગામે તેમના સબંધીના ઘરે જવા મેસ્ટ્રો પર નીકળ્યા હતા. મેસ્ટ્રો ભીખુસિંહ ચલાવી રહ્યા હતા. મોપેડ જયારે દહેગામ રખિયાલ રોડ ઉપર આવેલ જોગણી માતાના મંદિર નજીક પસાર થઈ રહ્યું હતું તે સમયે હાઇવે પરથી બેફામગતિએ આવતા આઇસર ગાડી નંબર જી. જે.૧૮. બીટી.૦૮૨૨ એ જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ આઇસરના નીચે આવી ગયા બાદ સો ફૂટ જેટલું ઢસડાયુ  હતું જેના લીધે મોપેડ પર સવાર પિતા પુત્ર અને મહિલા સહિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજયા હતા. અકસ્માત બાદ આઈસરનો ચાલક તક જોઈ આઈસર સ્થળ ઉપર મૂકીને ભાગી છૂટયો હતો. અકસ્માતમાં મોતને ભેટનાર પિતા પુત્ર દહેગામ તાલુકાના કંથરાઈના છાપરા ના રહેવાસી છે.

(5:17 pm IST)