Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વડોદરા:અપશબ્દો બોલતા યુવકને સમજાવવા જનાર રહીશ પર હુમલો થતા ગુનો દાખલ

વડોદરા,મહિલાઓ બેઠી હોવા છતાંય ગાળો બોલતા યુવકને સમજાવવા જનાર રહીશ પર યુવક અને તેના સાગરીતોએ હુમલો કરી માર માર્યો હતો.જે અંગે ઇજાગ્રસ્ત રહીશે મકરપુરા  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

દંતેશ્વર સ્મશાન સામે વામ્બે હાઉસિંગ વુડાના મકાનમાં રહેતા મહેન્દ્રસીંગ લક્ષ્મણસીંગ રાજપૂત આઇ.ડી.એફ.સી.બેન્કમાં કલેક્શન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે.મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેણે જણાવ્યું છે કે,ગત તા.૧૫ મી એ રાતે અગિયાર વાગ્યે હું જમી પરવારીને અમારા  બ્લોકની નીચે ડોગ લઇને ચાલવા નીકળ્યો હતો.તે દરમિયાન અમારા બ્લોકની નીચે ગપ્પુ નામનો વ્યક્તિ જોર જોરથી ગાળો બોલતો હતો.જેથી,મેં તેને કહ્યું હતું કે,ભાઇ ગાળો કેમ બોલે છે ? અહીંયા મહિલાઓ બેઠી છે.મારી વાત સાંભળીને ગપ્પુ ક્યાંક જતો રહ્યો હતો.અને થોડી વાર પછી તેના સાગરીતોને લઇને આવ્યો હતો.જેઓના નામ કાણીયો,ગટ્ટુ હતા.તેઓએ એકદમ ઉશ્કેરાઇને મને માર મારવાનું શરૃ કર્યુ હતું.આ મારામારીમાં મને આંખની નીચેના ભાગે ઇજા થઇ હતી.આ મારામારી દરમિયાન મારો મિત્ર જયેશ પરમાર મને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો.આ મારામારીમાં જયેશનો મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હતો.મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ  હાથ ધરી છે.

(5:18 pm IST)