Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

અમદાવાદના માંડલ પંથકના કરશનપુરા ગામનો લક્ષ્મણ ઠાકોર 51 કિલો ગાંજા સાથે ઝડપાયોઃ ઓરિસ્‍સાથી મંગાવતો હોવાનું ખુલ્‍યુ

ગાંજાનો વ્‍યસની હોવાથી અગાઉ પણ જેલમાં ગયો હતોઃ છુટયા બાદ ફરીથી ધંધો શરૂ કર્યો

અમદાવાદઃ અમદાવાદના માંડલ પંથકના કરશનપુરા ગામમાં લક્ષ્મણ ઠાકોર 51 કિલો ગાંજા સાથે પોલીસે ઝડપી લીધો છે. આ ગાંજાની બજાર કિંમત 5 લાખથી વધુ થાય છે. આરોપી નશાની ટેવવાળો હોવાથી ઓરિસ્‍સાથી ગાંજો મંગાવી વેંચતો હતો. અગાઉ પણ આ ગુન્‍હામાં જેલમાં ગયો હતો. છુટયા બાદ ફરીથી ધંધો શરૂ કર્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા આરોપીની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 51 કિલો ગાંજો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થનું વેચાણ અને સેવન વધ્યું છે. ગુજરાતમાં એવુ કોઈ શહેર એવુ કોઈ ગામ બાકી નહિ હોય, જ્યાં ગાંજો વેચાતો અને પીવાતો નહિ હોય. ગામડાઓમાં પણ ગાંજાનું દૂષણ વ્યપ્યુ છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે માંડલ જિલ્લાના કરસનપુરા ગામમાંથી લક્ષ્મણ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 51 કિલોનો ગાંજો જપ્ત કરાયો છે, જેની કિંમત 5 લાખથી વધુની થાય છે. આ જથ્થો તે જે ખેતરમાં કામ કરતો હતો તે ખેતરમાંથી ઝડપાયો હતો.

51 કિલોનો ગાંજાનો જથ્થો માંડલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપી માંડલ સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતો હતો. આરોપી લક્ષ્મણ બે વર્ષ પહેલા સુરતમાં ઓડિશાના તેના એક મિત્રને મળ્યો હતો અને ત્યારથી તેને નશાની લત લાગી હતી. પોતે ખેત મજુર હોવાથી વધારે પૈસા કમાવા માટે તેને ગાંજાનો નશો કરવાની સાથે વેચાણ પણ શરૂ કર્યું.

પ્રાથમિક તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી ઓરિસ્સાથી ગાંજો મંગાવતો હતો. 1 વર્ષ પહેલા 21 કિલો ગાંજા સાથે લક્ષ્મણની સરખેજ પોલીસે પણ ધરપકડ કરી હતી. પણ જેલમાં છૂટ્યા બાદ ફરીથી તેને આ ધંધો શરૂ કર્યો હતો. હાલ પોલીસે NDPS એક્ટ ગુનો નોંધી આરોપી લક્ષ્મણની ધરપકડ બાદ આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી અમદાવાદ જિલ્લામાં કઈ રીતે પહોંચ્યો અને આ આરોપી સાથે અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસે તપાસ કરવાની શરૂઆત કરી છે. પકડાયેલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરશે.

(5:31 pm IST)