Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

અમદાવાદના જુના સ્‍વામિનારાયણ વાસમાં મહિલા પોલીસ કર્મચારીનો ગળાફાંસો ખાઇને આપઘાતઃ દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા

પતિ-પત્‍ની બંને પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતાઃ બંને 5 દિવસની રજા ઉપર હતાઃ ઘરકંકાસના કારણ અંગે પોલીસ તપાસ

અમદાવાદઃ અમદાવાદના રાણીપ વિસ્‍તારમાં આવેલા જુના સ્‍વામિનારાયણ વાસમાં ઘરકંકાસને લઇ ભાવનાબેન ડાભીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. મૃતક મહિલા કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસ કર્મચારીએ જીવન ટુંકાવતા પોલીસ બેડામાં શોક છવાઇ ગયો છે.

શહેરમાંઘર કંકાસે વધુ એક પોલીસકર્મીનો જીવ લીધો છે. જેમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મહિલા પોલીસ કર્મચારીનો પતિ વાડજ પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેવામાં પોલીસે આત્મહત્યા પાછળના કારણો જાણવા માટે તજવીજ શરૂ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાણીપ વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ વાસમાં રહેતા ભાવનાબહેન ભદ્રેશભાઈ ડાભી નામનાં મહિલા પોલીસકર્મીએ જીવન ટુંકાવ્યું છે. દોઢ વર્ષ પહેલાં જ ભાવના બહેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશ ડાભી સાથે થયા હતા. ગુરુવારે સાંજે ભાવના બહેન અને ભદ્રેશ ઘરમાં હાજર હતા. ત્યારે ભદ્રેશભાઈ અંદર બેડરૂમમાં સુતા હતા. જ્યારે ભાવના બહેને તે જ સમયે ડ્રોઈંગ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સાંજે ભદ્રેશ ભાઈએ પત્નિને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા રાણીપ પોલીસને જાણ કરાઈ હતી.

આપઘાત કરનાર ભાવનાબેન વર્ષ 2016માં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયાં હતાં. જ્યારે હાલમાં તેઓ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતાં. ભાવનાબહેન અને પતિ ભદ્રેશભાઈ બંને છેલ્લા 5 દિવસથી રજા ઉપર હતા. જ્યારે બંને ગુરુવારે જ નોકરી ઉપર હાજર થવાના હતા. જોકે ભાવનાબેને નોકરી પર હાજર ન થઈ આપઘાત કર્યો હતો. તેવામાં ભાવના બહેન અને પતિ ભદ્રેશ વચ્ચે કયા કારણથી કંકાસ ચાલી રહ્યો હતો તે જાણવા માટે પોલીસે ભદ્રેશભાઈ બંનેના પરિવારના સભ્યો તેમજ સ્થાનિક રહીશોની પૂછપરછ શરૂ કરી છે.

ઘટના સમયે મહિલા પોલીસકર્મીના પતિ ઘરમાં જ હતા અને ઘરમાંથી કોઈ પણ પ્રકારની સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી. તેવામાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ સોલામાં પોલીસકર્મીએ પત્નિ અને બાળકી સાથે બિલ્ડીંગ પરથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. તેવામાં ફરી વાર એક પોલીસકર્મીએ જીવન ટુંકાવતા પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ કેસમાં પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવુ રહ્યું.

(5:32 pm IST)