Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વડાપ્રધાન મોદીના જન્મ દિવસે તપોવન ટ્રસ્ટે “નમો વન”માં વડતાલ મંદિરના મંદિરના સંતોના હસ્તે વૃક્ષારોપણ કર્યું : 25 હજાર વૃક્ષ વાવ્યા

લીમડો, પીપળો અને વડલા વાવ્યા: આ ત્રણેય વૃક્ષો શીતળ છાયડા ઉપરાંત મોટા પ્રમાણમાં ઓક્સિજન આપવાનું પણ કામ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73માં જન્મ દિવસે આગામી પેઢીને ઓક્સિજનની ફેક્ટરી ભેટમાં આપવા માટે સાણંદ જીઆઈડીસીમાં તપોવંદના ટ્રસ્ટ દ્વારા “નમો વન”માં વડતાલ મંદિરના સંતોના હાથે  મોટા પાયે વૃક્ષારોપણ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે વર્તમાનમાં પ્રતિદિવસ વૃક્ષોનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે તો બીજી તરફ પ્રદૂષણમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. તેવામાં પીએમ મોદીના જન્મ દિવસે તપોવન ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરીને આગમી પેઢીને એક મોટી ભેટ આપી છે.

વૃક્ષારોપણ દરમિયાન વડતાલના સંતો સહિત ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, શૈલેષ સાવલિયા, તપોવનના ટ્રસ્ટી સતીષ ભાઈ મોરી, લોકગાયક અભેસિંહ રાઠડો વગેરે હાજર રહ્યાં હતા.

આ વૃક્ષારોપણ દરમિયાન 25 હજાર વૃક્ષોને લગાવવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે લીમડો, પીપળો અને વડલા વાવ્યા છે. જણાવી દઈએ કે, આ ત્રણેય વૃક્ષો શીતળ છાયડા ઉપરાંત મોટા પ્રમાણમાં ઓક્સિજન આપવાનું પણ કામ કરે છે. તે ઉપરાંત વરસાદની માત્રા અને ગરમીને સમતોલન રાખવામાં વૃક્ષો પોતાની એક આગવી ભૂમિકા ભજવે છે.

 

પાછલા દિવસોમાં જ્યારે પાકિસ્તાન તેના ઈતિહાસના સૌથી ભયાનક પૂરના કારણે થયેલા વિનાશમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે દક્ષિણ-પશ્ચિમ ચીનમાં પણ ભયંકર વરસાદ થઈ રહ્યો હતો. બીજી તરફ પૃથ્વીની બીજી બાજુ અમેરિકાના ટેક્સાસ શહેરમાં ડલ્લાસમાં લોકો ગત મહિને એક જ દિવસમાં પડેલા 10 ઈંચ વરસાદમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ તમામ સ્થળોએ મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી તારાજીમાં એક કોમન વાત હતી – વરસાદ પહેલાં જ સર્વત્ર ભયંકર ગરમી અને દુષ્કાળ ચાલી રહ્યો હતો. એટલે કે આ તમામ વિસ્તારો હવામાનની બે ચરમસીમાઓ વચ્ચે ઝૂલતા હતા. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ભારે ગરમી અને ભારે વરસાદ બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને વાતાવરણમાં બદલાવના કારણે તે ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે.

યુરોપના શહેરી વિસ્તારોમાં રેકોર્ડ ઊંચા તાપમાન અને વિનાશક પૂર – કેટલાક તો એવા વિસ્તારો હતા જેમને કોઈ જ તૈયારી કરી નહતી – ચક્રવાતને કારણે થતા નુકસાનમાં મોટો વધારો, વધતા વૈશ્વિક દુષ્કાળ વચ્ચે આફ્રિકાના ગરીબ વિસ્તારોમાં ઘાતક દુષ્કાળ. પૃથ્વી પર હવામાનની આ કઠોર પ્રકૃતિ સતત ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહી છે, જેમાં દરેક ઋતુ ચરમસીમાએ પહોંચી રહી છે.

આમ ઉપરોક્ત તમામ આફતો ગ્લોબલ વોર્મિંગના કારણે આવી રહી છે અને વૃક્ષોની ઓછી થતી જતી સંખ્યા આના પાછળ કારણભૂત છે. જળ જીવનને બચાવે છે, તેવી રીતે ધરતીને બચાવવામાં વૃક્ષોનું અસ્તિત્વ ખુબ જ જરૂરી છે.  માનવજાતને પૃથ્વી ઉપર પોતાની પેઢીઓને આબાદ રાખવી છે તો વૃક્ષારોપણ કરવું ખુબ જ જરૂરી છે.  પૃથ્વીને બચાવવાની કોશિશમાં તપોવંદન ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

(8:33 pm IST)