Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

વડોદરાની એમ,એસ,યુનિવર્સીટીના સાયન્સ ફેકલ્ટીમાં ધાર્મિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ

એમએસ.યુનિવર્સિટીમાં એક બાદ એક વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા વિડિઓ વાયરલ થતા આવેદનપત્ર અપાયા -તપાસ સોંપાયા બાદ ડીને પરિપત્ર બહાર પાડ્યો 

વડોદરાની સૌથી મોટી યુનિવર્સિટી એક બાદ એક ત્રીજી વખત વિવાદોમાં આવી છે. એમએસ.યુનિવર્સિટીમાં એક બાદ એક વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. જેમાં ત્રીજી વખત કોઈ એક વિદ્યાર્થીની નમાજ અદા કરતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીની નમાજ અદા કરતી જોવા મળી રહી છે. જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ મામલે હાઈ પાવર ડિસીપલીનરી કમિટીને તપાસ સોંપી છે.

આ પહેલાં સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાજ પડતા યુવકોનો બે વખત વિડીયો સામે આવ્યો હતો ત્યારે પણ હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી હતી જે બાદ વધુ એક વિડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિની નમાજ અદા કરતી જોવા મળતા વધુ એક વખત આ અંગે એઆઈએસએ ગ્રુપ દ્વારા તેમજ ઓલઈન્ડિયા સ્ટુડેન્ટ એસોસિએશન દ્વારા કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે.

એઆઈએસએ ગ્રુપ અને ઓલઈન્ડિયા સ્ટુડેન્ટ એસોસિએશન દ્વારા આ અંગે આવેદનપત્ર આપતા તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીના ડિન દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કેમ્પસમાં કરી શકાશે નહિ. આ અંગે વધુ માહિતી આપતા સુપ્રિડેન્ટ કે.એમ.ડામોર જણાવે છે કે, સાયન્સ ફેકલ્ટીમાં ડિને પરિપત્ર જાહેર કર્યો છે કે, કોઈપણ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાશે નહિ. બીજી તરફ નમાઝ અદા કરતી વિદ્યાર્થીની તપાસ માટે પણ કમિટીની રચના કરવામાં આવી છે.

બીજી તરફ પરિપત્ર જાહેર કરાયા બાદ ઓલઈન્ડિયા સ્ટુડેન્ટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવે છે કે,આ નમાઝ અદા કરવાની યુનિવર્સિટીમાં ત્રીજી ઘટના છે. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે ગઈકાલે ડિનને અમારા ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેને ધ્યાને રાખી ડિન સરે તાત્કાલિક ધોરણે પરિપત્ર બહાર પાડ્યો હતો. કે કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ યુનિવર્સિટીમાં ન થવી જોઈએ. તો અમારી બસ એટલી જ માંગ છે કે, માત્ર સાયન્સ ફેકલ્ટી જ નહિ આખી યુનિવર્સિટીમાં આ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. જ્યારે સાયન્સ ફેકલ્ટીના ડિન આ નિર્ણય લઈ શકતા હોય તો સમગ્ર યુનિવર્સિટી કેમ નહિ?

(9:30 pm IST)