Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ડાકોર નગરપાલિકાના કાઉન્સિલરે સગી બહેન સાથે છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

ડાકોર : ડાકોર નગરપાલિકાના એક કાઉન્સિલરે પોતાની સગી બહેનની ખોટી સહી કરીને પોતાની પૈતૃક સંપત્તિમાંથી બહેનનું નામ રદ કરાવી પિતાની અને કાકાની મિલકત બારોબાર વેચી દીધી હતી. આ કામમાં તેણે પોતાના પિતરાઈ ભાઈના મેળાપીપણામાં કર્યું હતું. ભાઈઓની ચાલાકીનો ભાગ બનેલી બહેને સોમવારે ડાકોર પોલીસ સ્ટેશનમાં પોતાના સગાભાઈ અને પિતરાઈ ભાઈ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ડાકોરમાં જય બંગલોઝ સોસાયટી ખાતે રહેતા ઉષાબેન અશોકભાઈએ પોતાના પિતા બાબરભાઈ દેસાઈભાઈ પટેલ અને પોતાના કાકા ડાહ્યાભાઈ દેસાઈભાઈ પટેલ તથા તેમની બહેન રમીલાબેનની વારસાઈ મિલકત ૨૮/૧૧/૨૦૦૫ના રોજ પોતાના ભાઈઓએ જ ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરી, નોટીસમાં સહીઓ કરી પોતાના પિતરાઈ રાજેન્દ્રભાઇ ડાહ્યાભાઈ તથા સગા ભાઈ સુરેશભાઈ બાબરભાઈ દેસાઈએ બારોબાર વેચી દીધાની ફરિયાદ નોંધાવી છે.જેમાં  આજથી નવ મહિના પહેલાં સુરેશભાઈ બાબરભાઈ પટેલ ઉષાબહેનના ઘરે ગયા હતા અને તેમની તથા તેમની બહેન રમીલાબેનની સંયુક્ત ભાગીદારીવાળી મિલકતમાંથી હક્ક કમી કરવાની વાત કરી હતી. ત્યારે બંને બહેને ના  પાડી હતી અને પોતાના ભાગની માગણી કરી હતી. બાદમાં સુરેશભાઈની વાત પરથી ઉષાબેન અશોકભાઈને શંકા જતાં તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે સંયુક્ત ભાગીદારીવાળી મિલકત ખોટી સહીઓ કરી હક્ક કમી કરીને, ખોટા સાક્ષીઓ ઊભા કરીને બારોબાર વેચાણ કરી દેવાઈ હતી.

(4:58 pm IST)