Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અંકલેશ્વરમાં 84 મકાનોની ગેરકાયદેસરઆખેઆખી  રેસિડેન્શિયલ સ્કીમ ઉપર બૌડાએ બુલડોઝર ફેરવાયુ

સ્કીમ ગેરકાયદેસર હોવાનું બહાર આવતા બૌડા દ્વારા અવાર નવાર નોટીસ પાઠવાઈ : એક વર્ષ અગાઉથી આ અંગેની નોટીસ અપાઈ છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું

ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી BAUDA એ સ્થાપનાના 12 વર્ષમાં પેહલી વખત ગેરકાયદે બાંધકામ સામે મેગા ડીમોલેશન હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામે 84 મકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. અંકલેશ્વર તાલુકાના કોસમડી ખાતે સંજય પટેલ નામના કોન્ટ્રાકટર દ્વારા શિવાંજલી રેસીડેન્સી નામની સ્કીમ મુકવામાં આવી હતી.

  આ સ્કીમ હેઠળ કુલ 232 મકાનો બનાવવાના હતા. જે પૈકી હાલમાં 35 મકાનો બનાવી તેના પજેસન પણ આપી દેવામાં આવ્યા હતા જયારે 84 મકાનોનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ આખે આખી સ્કીમ ગેરકાયદેસર હોવાનું બહાર આવતા બૌડા દ્વારા અવાર નવાર નોટીસ પાઠવવામાં આવી હતી.

 એક વર્ષ અગાઉથી આ અંગેની નોટીસ આપવામાં આવી હતી છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. BAUDA ના અધિકારી રીતેશ અમીને જણાવ્યું હતું કે, સુરતના સ્કીમ મુકનાર બિલ્ડર, ભાગીદારો, ડેવલોપર સહિત 6 જેટલા સ્કીમ મુકનાર સુરતના લોકોને છેલ્લા 6 મહિનાથી સ્થળ ઉપર જઈ નોટિસ અપાતી હતી

સાઇટ અને બાંધકામ ગેરકાયદેસર હોવાના બે વખત બોર્ડ પણ લગાવી દીધા હતા. જોકે તે પણ આડસમાં મૂકી દઈ ગેરકાયદે બાંધકામ ચાલુ જ રખાયું હતું. અંતે આજરોજ બૌડાનું બુલડોઝર પહોચ્યુ હતું અને બાંધકામ ચાલી રહેલ 84 મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુમાં આ અંગે બૌડાના અધિકારી રીતેશ અમીને જણાવ્યું હતું કે, આ વિસ્તાર ઇન્સ્ટીટ્યુશનલ ઝોનમાં આવી રહ્યો છે અને તેથી અહી રહેણાંક વિસ્તાર ન હોઈ શકે ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા બૌડા દ્વારા લગાવવામાં આવેલ બોર્ડ પણ ઢાંકી દેવામાં આવ્યું હતું અને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ જે 35 મકાનોના પજેસન આપવામાં આવ્યા છે. તેઓ પોતાના મકાનો નિયમિત કરવા માટેની કાર્યવાહી કરશે. આખે આખી સ્કીમ પર બુલડોઝર ફેરવી દેવતા ગેરકાયદેસર રીતે સ્કીમ મુકનાર કોન્ટ્રાકટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

(11:27 pm IST)