Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

SGVP ગુરુકુલ-છારોડી ખાતે શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસંગે ઠાકોરજીને અભિષેક - શિક્ષાપત્રીનું પૂજન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી

અમદાવાદ તા. 18 : આજથી બસો વર્ષ પૂર્વ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સંતો અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં પાંચસો પરમહંસો અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ઘણીવાર સ્નાન કરતા.

      SGVP ગુરુકુલ-છારોડી ખાતે, શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના ૧૬ મા પાટોત્સવ પ્રસંગે, તે પ્રસાદીભૂત અડાલજ વાવના જળને ઘડામાં ભરી લાવતા, જલ ગરિયાનું ગુરુકુલ દરવાજે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને રાસની રમઝટ સાથે ગુરુકુલ પરિસરમાં શોભાયાત્રા રુપે ફર્યા હતા.

 વસંત પંચમીના રોજ વહેલી સવારે એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ માં વિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે, વૈદિક મંત્રો સાથે ઠાકોરજીને અડાલજ વાવના પવિત્ર જળ, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, સપ્તનદીઓના જળ, પંચગવ્ય વગેરેથી શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને વહેલી સવારે પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને હરિસ્વરુપદાસજી સ્વામીના હસ્તે અભિષેક કરવામાં આવ્યો હતો.

    ત્યાર બાદ રામ, શ્મામ અને ઘનશ્યામ મહારાજને ગુલાબી વાઘા ધરાવી, ૨૦૦ ઉપરાંત વાનગીઓના અન્નકૂટ  ધરાવી, માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે આરતિ ઉતારવામાં આવી હતી.

 અભિષેક બાદ સમૂહમાં શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવેલ ત્યાર બાદ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ  શિક્ષાપત્રીનું રહસ્ય સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રી તો વચન અને આદેશનો ગ્રન્થ છે. શિક્ષાપત્રી તો ગાગરમાં સાગર છે. શિક્ષાપત્રી તો તમામ શાસ્ત્રોનો સાર છે. ભગવાનશ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોના કલ્યાણ માટે શિક્ષાપત્રી લખેલ છે. શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

અંતમાં લોક હાસ્યકલાકાર શ્રી જગદીશભાઇ ત્રિવેદીએ હાસ્યસભર શૈલીમાં કોરોનાથી કેટલા લાભ થયા છે તેની વાત કરી હતી.

ગુજરાતમાં ગૌરવવંતા, સેવા ભાવી અને ધાર્મિક વૃતિના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીને કોરોનાની અસર થતા, સારાયે ગુજરાતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ઓન-લાઇન એસજીવીપી ગુરુકુલમાં ચાલી રહેલ ઘનશ્યામ મહારાજના પાટોત્સવ અને શિક્ષાપત્રી જયંતીના પ્રસંગે યોજાયેલ ધર્મસભામાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ અને સંતો હરિભકતોએ વિજયભાઇ જલ્દી સાજા થાય તે માટે ભગવાનની ધૂન અને પ્રાર્થના કરી હતી. સભાનું સંચાલન ભાનુભાઇ પટેલ અને ભકિતવેદાંતસ્વામીએ સંભાળેલ હતું.

 પાટોત્સવ પ્રસંગે ઠાકોરજીને ધરાવેલ અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવ્યો હતો.

(3:05 pm IST)