Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મેયરની ચૂંટણી માર્ચના બીજા સપ્તાહમાં : બજેટ માટે બે માસની છૂટ

તા. ૨ માર્ચ સુધી આચારસંહિતા હોવાથી નવા પદાધિકારીઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ શકશે નહિ : બજેટ નવા શાસકો જ બનાવશે : ૨૦ એપ્રિલ સુધીમાં બજેટ સામાન્ય સભામાં મંજુર થઇ જવું જરૂરી : સરકારની માર્ગદર્શક સુચના

રાજકોટ તા. ૧૮ : રાજ્યના ૬ મહાનગરો રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, અમદાવાદ અને વડોદરામાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. તા. ૨૧મીએ મતદાન અને તા. ૨૩મીએ તેની મત ગણતરી છે. ૨૩મીએ મત ગણતરી થઇ જાય તો પણ નવા મેયરોની ચૂંટણી માર્ચના બીજા અઠવાડિયામાં (સંભવત ૫ થી ૧૦ માર્ચ વચ્ચે) થવાના અત્યારના સંજોગો છે. બજેટ માટેની મુદ્દતમાં સરકારે બે માસનો વધારો આપ્યો છે. નવા કોર્પોરેટરો ચૂંટાયા પછી બે-ત્રણ દિવસમાં ગેઝેટમાં નામ આવી શકે છે. જો કે પંચાયતોની ચૂંટણી તા. ૨૮મીએ છે. તેનું પરિણામ તા. ૨ માર્ચે છે. ત્યાં સુધી આચારસંહિતા અમલમાં હોવાથી નવા મેયર ડે.મેયરની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ શકશે નહિ.

દર વર્ષે ૨૦ ફેબ્રુઆરી સુધીમાં મ્યુ. કમિશનર સ્ટેન્ડીંગ સમિતિ સમક્ષ બજેટ રજુ કરી દયે તેવી જોગવાઇ છે. આ વર્ષે સરકારે તે મુદ્દતમાં બે માસનો વધારો કર્યાનું જાણવા મળે છે. હવે ૨૦ એપ્રિલ સુધીમાં બજેટ સ્ટેન્ડીંગ સમિતિ અને સામાન્ય સભામાં મંજુર કરવાનું રહેશે. નવી ચુંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનર બજેટની કાર્યવાહી આગળ વધારશે. કરવેરા અંગેનો નિર્ણય નવા શાસકો લેશે. નવા બજેટના અમલ પૂર્વે મ્યુ. કમિશનરો રાબેતા મુજબના વહીવટી કાર્યો કરી શકશે. નવા શાસકો માટે ચૂંટાયા પછી પહેલુ કાર્ય બજેટનું જ આવે તે ઐતિહાસિક ઘટના છે. ૬ મહાનગરોમાં નવા નાણાકીય વર્ષના ઉતરાર્ધમાં નવા શાસનનો આરંભ થશે.

(3:07 pm IST)