Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

'આ મારૃં સાસરૃં છે, રહેવુ હોય તો રૂપિયા આપો, નહિતર બહાર નીકળો'

ઉલટી ગંગા...પુત્રવધૂએ સાસુ પાસે રૂ. ૫૦ લાખ માંગી બે લાફા માર્યા

સુરત વરાછાના દુધાત પરિવારનો કિસ્સો સાંભળી પોલીસ સહિત સૌ કોઇ દંગ

સુરત,તા. ૧૮: ' આ મારૂ સાસરૃં છે, તમારે રહેવું હોય તો રૂપિયા આપો, નહિતર બહાર નીકળો' એમ કહી પુત્રવધૂએ સાસુને બે લાફા મારી દીધા હતા. ઘરમાં રહેવા માટે ૫૦ લાખ માંગી પુત્રવધૂએ સાસુ સાથે ઝપાઝપી પણ કરી હતી.

વરાછા-મિનિબજાર ખાતે વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા કાંતાબેન કાળુભાઇ દુધાત (ઉ.વ. ૫૦, મૂળ શારભડા, અમરેલી)ના પતિ હીરા વેપારી છે. તેમના મોટા પુત્ર રોનકના લગ્ન કિરણભાઇ લાઠિયા (રહે, પ્રમુખ પાર્ક સોસાયટી, મોટા વરાછા)ની પુત્રી શ્વેતા સાથે નવેમ્બર ૨૦૨૦માં થયા હતા. લગ્ન બાદ ફેબ્રુઆરી માસમાં તેઓ ફરવા માટે મુંબઈ ગયા હતા.

ત્યારબાદ તા. ૨૧-૨-૨૧ના રોજ વેવાઈ કિરણ લાઠિયા મુંબઈ ગયા હતા. અહીં રોનક અને શ્વેતાને મળ્યા બાદ વેવાઈ લાઠિયાએ રોનકના પિતા કાળુભાઇને કોલ કરી દીકરી શ્વેતાને મુંબઇથી સીધી ઘરે લઇ જવાની અને બનેના છૂટાછેડા કરાવી દેવાની વાત કરી હતી. સમાજના આગેવાનો સાથે બંને પક્ષની મિટિંગમાં વેવાઇ લાઠિયાએ છૂટાછેડા કરવાના ૫૦ લાખ માંગ્યા હતા. જોકે, દુધાત પરિવારે ૫૦ લાખ અને છૂટાછેડા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ તા. ૧૭-૬-૨૧ના રોજ સવારે પુત્રવધૂ શ્વેતા તેઓના ઘરે આવી 'આ મારૃં સાસરૃં છે, હું મારા ઘરે રહેવા આવી છું, તમારે ધરમાં રહેવું હોય તો મારા પિતાજીને ૫૦ લાખ રૂપિયા આપવા પડશે, નહિ તો તમે ઘરમાંથી બહાર નીકળી જાવ 'એમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. અપશબ્દો બોલી શ્વેતાએ સાસુ કાંતાબેન સાથે ઝપાઝપી કરી બે લાફા પણ મારી દીધા હતા.

ઝેર પીવાની, દહેજના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

શ્વેતાએ ૫૦ લાખ નહિ આપો તો દહેજના ખોટા કેસમાં ફસાવી દેવાની, ઝેરી દવા પી જવાની અને હાથ-પગ તોડાવી દેવાની પણ તેણીએ સાસુને ધમકી આપી હતી. દરમિયાન ભારે હંગામો થતા અન્ય પરિવારજનો દોડી આવ્યા હતા અને તેઓએ ૧૦૦ નંબર પર કોલ કરી પોલીસને બોલાવી લીધી હતી. વરાછા પોલીસે સાસુ કાંતાબેન દુધાતની ફરિયાદના આશરે પુત્રવધુ શ્વેતા રોનક દુધાત (ઉ.વ. ૨૬, રહે. પ્રમુખપાર્ક સોસાયટી, મોટા વરાછા) સામે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.

(11:44 am IST)