Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રવિ - સોમ ગુજરાત આવતા અમિતભાઇ શાહ આઇપીએસ બદલી, બઢતી સાથે મહત્વની પોસ્ટીંગ અંગે માર્ગદર્શન મેળવાશે

રથયાત્રા અંતર્ગત અમલ ભલે તુરંત ન થાય પરંતુ 'આપ'ની ગુજરાતમાં એન્ટ્રી : આગામી વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રીનું માર્ગદર્શન મેળવી લેવાશે ? ખાનગીમાં ભારે ચર્ચા : મહત્વના શહેર, એસીબી વડાની ખાલી જગ્યા પર નિમણુંક સહિત કાયદો વ્યવસ્થા પર પ્રશ્ન ન ઉઠી શકે તેવી રણનીતિ અંગે પણ ચર્ચા થવાની જોરદાર અટકળો

રાજકોટ તા. ૧૮ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૦ અને ૨૧મીએ માટે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમના આગમન અંગે અનેકવિધ અનુમાનો અને અટકળો ચાલી રહી છે, આમ તો સતાવાર રીતે તો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે લોકોની સુવિધા માટે બનેલા ત્રણ બ્રીજના લોકાપર્ણ માટે આવે છે, અમિતભાઈ આમ તો પોતાના મત વિસ્તાર સાથે સતત સંપર્કમાં રહે છે, તેથી સામાન્ય રીતે કોઈ અન્ય અનુમાનને અવકાશ ન હોવા છતાં, ગુજરાતમાં આપે જે રીતે  ધમાકેદાર એન્ટ્રી કરી અને તે સંદર્ભે આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે બીજેપીના ટોચના આગેવાનો સાથે ચર્ચા કરશે.

સૂત્રોના મતે આઇએએસ અને ખાસ કરી આઇપીએસ લેવલે ફેરફાર પ્રક્રિયાને બ્રેક લાગી છે ત્યારે ચોક્કસ સ્થળ સહિત ચૂંટણી સંદર્ભે મહત્વના પોસ્ટીગમા તેમનું માર્ગદર્શન મહત્વનું બનશે, ટુંકમાં કહીએતો આ બે દિવસ દરમિયાન આઇપીએસ અધિકારીઓની બઢતી બદલી અંગે તેમનો અભિપ્રાય મેળવવામાં આવનાર હોવાની ચર્ચા છે, અમિતભાઈના આગમન સાથે રથયાત્રાને કારણે જેને બ્રેક લાગી છે, તેવા આઇપીએસ ફેરફાર અંગે ચર્ચા થવાની પ્રબળ સંભાવનાં છે, અત્રે યાદ રહે કે ગુજરાતમાં ૧૩ જેટલા એસપી લેવલના અધીકારીઓને ડીઆઇજી તરીકે બઢતી આપવાની છે, હવે જે કયા ફેરફાર થશે તે આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં રાખી થશે, ચોક્કસ મહત્વના શહેરના અધિકારીઓમાં ફેરફાર કરવા કે કેમ?  ફેરફાર કરવા તો પોસ્ટિંગ માટે કોની માંગને અગ્રતા આપવી? લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, સ્ટેટ મોનીટરીંગ્ શેલ, માનવ અધિકાર કે સામાજિક સમરસતા જાળવતા વિભાગના વડા કોને બનાવવા તે માટે અમિતભાઈનું માર્ગદર્શન મેળવશે તેવું સૂત્રો માને છે.  

એ અલગ વાત છે કે રથયાત્રા પહેલા ઓર્ડર કરવામાં રાજય સરકાર બહુ મૂડમાં નથી. જિલ્લા વડા અર્થાત્ પોલીસ સુપ્રિ.નું સ્થાન જુનિયર આઇપીએસ લેવલે ખૂબ મહત્વનું અને આકર્ષણરૂપ હોયછે, માટે જિલ્લામાં નિમણુક માટે ઘણી ઘણી બાબતો જોવાની હોય છે, પરંતુ ચૂંટણી, બજેટ, કોરોના કારણે આ વિચાર કરવાનો બહુ સમય મળ્યો નથી. રથ યાત્રા બંદોબસ્ત ટોપ પ્રાયોરિટી પર હોય છે, સ્વાભાવિક તે સમયે બદલી વિગેરે માટે ખાસ સંજોગો સિવાય પ્રક્રિયા થતી નથી. બીજું એસપી લેવલે જેમને બઢતી આપવાની છે તેમાં ઘણાં પાસે મહત્વની જવાબદારી છે, દાખલા તરીકે આઇપીએસ મકરંદ ચૌહાણ પાસે ઝોન ૩ ડીસીપી તરીકે રથયાત્રા  સંદર્ભે ખૂબ જ અગત્યની જવાબદારી  છેલ્લા ૨ વર્ષથી છે, તેવો પરિસ્થિતિ સારી રીતે હેન્ડલ કરે છે, હવે તેમને પણ નિયમ મુજબ બઢતી આપી બદલવા પડે જે જોખમ લેવા ગાંધીનગર તૈયાર નથી.આમ રથયાત્રા પહેલા અમિતભાઈ સાથે ચર્ચા કરી રથયાત્રાના નિર્ણય બાદ તુરત કાર્યવાહી કરી શકાય તેવું આઇપીએસ સૂત્રો માની રહ્યા છે.

(4:21 pm IST)