Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

ગુજરાત ભારતનુ પ્રતિષ્ઠિત રોલ મોડલ જેનો ગૌરવવંતા ગુજરાતીઓને શ્રેય: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાતીઓ તેમની તાકાત, સૂઝબૂઝ અને નેતૃત્વ ક્ષમતાને કારણે ગુજરાતની આન બાન અને શાન વધારી

અમદાવાદ : ગુજરાત ભારતના રોલ મોડલ તરીકે પ્રતિષ્ઠિત છે તેનો શ્રેય ગૌરવવંતા ગુજરાતીઓને જાય છે ,એમ અમદાવાદ માં એબીપી અસ્મિતા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

 મુખ્યમંત્રીએ  કહ્યું હતું કે ગુજરાતીઓ તેમની તાકાત, સૂઝબૂઝ અને નેતૃત્વ ક્ષમતાને કારણે ગુજરાતની આન બાન અને શાન વધારતા રહ્યા છે અને સમગ્ર વિશ્વનું દિશાદર્શન કરતા રહ્યા છે.

 વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું કે ગુજરાતીઓએ હંમેશા વ્યક્તિગત પુરુષાર્થથી અને સંસ્કાર પરંપરાથી દુનિયાને માર્ગદર્શન પૂરું પાડયું છે. આ સંદર્ભે મુખ્યમંત્રીએ ગાંધી-સરદાર વગેરે મહાનુભાવોના ઉદાહરણો ટાંક્યા હતા.
એબીપી અસ્મિતા દ્વારા આયોજિત સન્માન સમારોહ માં મુખ્યમંત્રીએ ગુજરાતની અસ્મિતામાં વૃદ્ધિ કરતા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનું સન્માન કર્યું હતું. તેમણે કલાસંસ્કૃતિ ક્ષેત્રે શ્રી અતુલ પુરોહિત, સાહિત્યક્ષેત્રે ડો.કુમારપાળ દેસાઈ ,શિક્ષણક્ષેત્રે રોહિતભાઈ પટેલ, સામાજિક સેવાક્ષેત્રે નિશિતા રાજપૂત, રમતગમત ક્ષેત્રે - સરિતા ગાયકવાડ, સંગીત ક્ષેત્રે - ઓસમાણ મીર, સિનેમા ક્ષેત્રે મનોજ જોશી, અને ઉદ્યોગ ક્ષેત્રે અમૂલના એમ.ડી આર .એસ .સોઢીનું સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રીએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની ગુજરાતની અગ્રણી કંપની ઝાયડસના પંકજ પટેલનુ પણ વિશેષ સન્માન કર્યું હતું. 
આ કાર્યક્રમમાં મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ પણ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પરમાર સહિત વિવિધ ક્ષેત્રના  મહાનુભાવો તેમજ વરિષ્ઠ પત્રકાર અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(10:01 pm IST)