Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સોનાના રિસાઇકલીંગમા લોકડાઉન બાદ 200 ટકા વધારો

દરરોજ 30 કિલોથી વધુ જુના સોનાનું વેચાણ કરતા અમદાવાદીઓ :નાણાકીય ખેંચને લીધે માંગ માત્ર 15 ટકા

અમદાવાદ શહેરમાં સોનાના રિસાઇકલીંગમા લોકડાઉન બાદ 200 ટકા વધારો થયો છે. સોનાના ભાવ 54 હજાર 500ની સપાટીએ છે ત્યારે શહેરમાં દરરોજ લગભગ 30 કિલોથી વધારે જૂનું સોનું લોકો વેચી રહ્યા છે. વેપાર ઉદ્યોગ ઠપ્પ હોવાથી અનેક વેપારીઓ અને લઘુ ઉદ્યોગના માલિકોએ પોતાની પાસે પડેલું જૂનું સોનું વેચીને પોતાની નાંણાકીય જવાબદારીઓ નિભાવી છે. જોકે નાણાકીય ખેંચના કારણે હાલમાં રીટેલ સ્તરે સોનાની માંગ માત્ર 15 ટકા જ જોવા મળી રહી છે તેથી ઉદ્યોગમાં ચિંતાનું વાતાવરણ છે ભારતમાં સોના પર 12.5 ટકા ઈમ્પોર્ટ ડયુટી અને ત્રણ ટકા જીએસટી લાગુ થાય છે તેમાં ઘટાડો કરવાની માંગ પણ એસોસિએશને કરી છે

 પાછલા અઠવાડિયાના ઘટાડા પછી સોમવારે સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વચ્ચે સોમવારે બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો થયો છે. જોકે, વાયદા બજારમાં ઘટાડો નોંધાયો છે. 

આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી છે. આ પછી સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, વૈશ્વિક બજારમાં ઉછાળા પછી સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં વધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 340 રૂપિયાનો વધારો થયો છે. જોકે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ .1306 નો વધારો થયો છે.

નવી સોનાની કિંમતોના ભાવમાં આજે 10 ગ્રામ દીઠ 340 રૂપિયાનો વધારો થયા બાદ નવી કિંમત હવે રૂ .53,611 પર પહોંચી ગઈ છે. તે પહેલા શુક્રવારે કારોબાર કર્યા પછી તે 10 ગ્રામ દીઠ રૂ. 53,271 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાનો નવો ભાવ અહીં ઔંસ દીઠ 1,954 ડૉલર પર પહોંચી ગયો છે.

આજ રીતે ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો હતો. આજે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,306 વધી છે, જે પછી નવી કિંમત પ્રતિ કિલો રૂ. 69,820 પર પહોંચી ગઈ છે. આ પહેલા શુક્રવારે તે 68,514 રૂપિયા પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ચાંદી. 26.81 ડૉલર પ્રતિ ઔંસ રહ્યો.

(12:49 am IST)