Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાજ્યમાં સરેરાશ 80 ટકા વરસાદ : 94 ડેમ હાઇએલર્ટ

સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 132.5 ટકા, જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં 56.41 ટકા નોંધાયો

ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે રાજ્યમાં સિઝનનો સરેરાશ 80 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 132.5 ટકા નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં 56.41 ટકા નોંધાયો છે.

ગુજરાત રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે, રાજ્યના 192 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 93 તાલુકાઓમાં અડધાથી સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના માંડવી અને મુંદ્રા તાલુકામાં સાડા પાંચ ઈંચ, તાપીના વાલોદ અને આણંદના તારાપુરમાં પાંચ ઈંચ વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે.

આ સિવાય ખંભાતમાં 108 મિમી, ભિલોડામાં 106 મિમી એટલે કે 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવા (સુરત), ધરમપુર, વડાલી, નવસારી, ઈડર અને વ્યારામાં ત્રણ થી ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે તિલકવાડા, બોરસદ, જલાલપોર, ભરૂચ, દિયોદર, ગાંધીધામ, પેટલાદ, સતલાસણ, ગરુડેસ્વર, પલસાણા, ડીસા સહિત 13 તાલુકાઓમાં બે થી 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યના 67 તાલુકાઓમાં અડધાથી બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 96 તાલુકાઓમાં અડધાથી એક મિલીમીટર સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં સોમવારે મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં 2 થી 3 ઈંચ વરસાદ ખાબકતા શહેરના બે અંડરપાસને બંધ કરવાની ફરજ પડી હતી.
રાજ્યમાં સતત વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટી 121.08 મીટર સુધી પહોંચી ગઈ છે. જ્યારે હાલ ડેમમાં 54.06 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે.

ભારે વરસાદના પગલે રાજ્યના 94 ડેમ હાઈએલર્ટ પર છે, એટલે કે તે 90 ટકાથી વધુ પાણીથી છલકાઈ ગયા છે. જ્યારે 10 ડેમો એલર્ટ ઉપર, એટલે કે 80 થી 90 ટકા પાણીથી ભરાયા છે. આ સિવાય 74 ડેમો 70થી 80 ટકા પાણીથી છલકાતા વૉર્નિંગ ઉપર છે. રાજ્યના ડેમોની સ્થિતિ પર વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

(11:03 am IST)