Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગુજરાતમાં ૮૪% વરસાદ : કાલે રાજકોટ-કચ્છમાં તૂટી પડવાની સંભાવના

સૌરાષ્ટ્રમાં મોસમનો સરેરાશ ૧૧પ.૩૮ ટકા વરસાદ : કચ્છમાં ૧૪ર, દક્ષિણમાં ૭૪, મધ્યમાં ૬૪, ઉતર ગુજરાતમાં ૬૦ ટકા : હજુ આજથી દિવસ મેઘાવી માહોલ : તા.ર૧મીએ દ્વારકા-ગિર સોમનાથ પંથકમાં ભારે વરસાદની આગાહી

રાજકોટ, તા. ૧૮ : ગુજરાતમાં ચોમાસુ બરાબર જામી ગયું છે. રાજયમાં અત્યાર સુધીનો મોસમનો સરેરાશ વરસાદ ૮૩.પ૯ ટકા થઇ ગયો છે.  ગયા વર્ષના ઓગષ્ટના આ દિવસોની સરખામણીએ ઓછો વરસાદ છે છતાં ચોમાસુ આશાસ્પદ છે. ગયા વર્ષે રાજયમાં ૧૪પ ટકા જેટલો વરસાદ થયો હતો હજુ ચાર દિવસ મૂશળધાર વરસાદની આગાહી છે.

 

કચ્છ વિસ્તારમાં સરેરાશ ૧૪ર.પ૭ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતનો ૬૦.૮૮ ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતમાં ૬૪.૭૯ ટકા વરસાદ પડી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ૭૪.૬૬ ટકા વરસાદ નોંધાયો છે.  સૌરાષ્ટ્રમાં ૧૧પ ટકા વરસાદ થયો છે.

રાજયમાં એક પણ તાલુકો વરસાદ વગરનો નથી. ૮૪ તાલુકાઓમાં ૧૦થી ર૦ ઇંચ વરસાદ નોંધાયો છે. ૪૮ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે.  હવામાન ખાતાએ આજથી તા. ર૧ સુધી રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. કાલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તા. ર૧મીએ દ્વારકા અને ગિર સોમનાથ પંથકમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જરૂરીયાત મુજબ એનડીઆરએફ ટીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે બપોર બાદ સ્ટેટ વેધર વોચ ગ્રુપની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા થશે.

(12:56 pm IST)