Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગુજરાતના કે પછી પંજાબના બીએસએફ વડાથી લઇ સમગ્ર દેશના બોર્ડર વડા માટે ગુજરાત કેડરના અધિકારીઓ પ્રથમ પસંદગી બની રહયા છે

૨૦૧૩ થી અજયકુમાર તોમરે પંજાબ બોર્ડર-ગુજરાત બોર્ડર અને પ્રતિષ્ઠીત પર્સોનલ વડાની જવાબદારી કુનેહથી નિભાવી હતી : ગુજરાત ફ્રન્ટીયરના બીએસએફ વડા જી.એસ. મલ્લીકે પણ પસંદગી સાર્થક ઠેરવ્યા બાદ યોગાનુયોગ સમગ્ર દેશના બોર્ડર સિકયોરીટી ફોર્સના વડા તરીકે ૧૯૮૬ બેચના મૂળ ગુજરાત કેડરના રાકેશ આસ્થાનાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જવાબદારી સુપ્રત કરી છે

રાજકોટ, તા., ૧૮: દેશના બોર્ડર વડા તરીકેની ખુબ જ મહત્વની અને જવાબદારીવાળી જગ્યા પર મૂળ ગુજરાત કેડરના ૧૯૮૬ બેચના હાલ કેન્દ્રમાં પ્રતિષ્ઠાભર્યા સ્થાન પર ફરજ બજાવતા રાકેશ આસ્થાનાની પસંદગી થઇ છે. યોગાનુયોગ ગુજરાતના બોર્ડર વડાની જગ્યા હોય કે પછી પંજાબના બોર્ડર વડાની જગ્યા આ સ્થાન પર હંમેશા ગુજરાત કેડરના અધિકારીઓ પ્રથમ પસંદગી બને છે. ઉકત અધિકારીઓએ પોતાની પસંદગી યથાર્થ પણ ઠેરવી છે.

સુરતના હાલના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર પણ ૨૦૧૩થી ૨૦૧૮ સુધી પંજાબના બોર્ડર વડા અને ગુજરાતના બોર્ડર વડા સહીત પર્સોનલ વડાની મહત્વની જવાબદારીઓ ખુબ જ સારી રીતે નિભાવી ચુકયા છે. તેઓના કાર્યકાળ દરમિયાન બીએસએફના જવાનોનું મનોબળ વધે અને વધુમાં વધુ ટીમ સ્પીરીટની ભાવના જાગે તે માટે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટેની ખાસ ટીમો તાલીમબધ્ધ કરી હતી.

અહીં ફરી એક વખત યોગાનુયોગ સર્જાયો. કેન્દ્રીય ડેપ્યુટેશન પરથી અજયકુમાર તોમર પરત ફર્યા બાદ આ ખાલી પડેલા મહત્વના અને જવાબદારીવાળા સ્થાન પર કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના કાર્યદક્ષ એવા જ્ઞાનેન્દ્રસિંહ મલ્લીક પર પસંદગી ઉતારી. જી.એસ.મલ્લીક પણ આ જવાબદારી ખુબ જ સારી રીતે અદા કરી રહયા છે. રાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટમાં કે જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના હતા તેમાં ભાગ લેનાર જવાનોને ખાસ તાલીમ પણ જી.એસ.મલ્લીકના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરના ચિલોડા ખાતે આવેલ લશ્કરી હેડ કવાર્ટરમાં આપવામાં આવી હતી. રાજયકક્ષાએ ગુજરાત કેડરના અજયકુમાર તોમર અને જી.એસ.મલ્લીક પોતાની પસંદગી સાર્થક ઠેરવવાના પગલે-પગલે હવે સમગ્ર દેશના બોર્ડર વડા તરીકેની જવાબદારી રાકેશ આસ્થાનાના શીરે મુકવામાં આવી છે. આ બાબત સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી બની છે.

(12:57 pm IST)