Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સુરતના જહાંગીરપુરામાં દંપતિ દ્વારા ચલાવાતા કોલ સેન્‍ટરનો પર્દાફાશઃ 6 યુવતિઓ સહિત 19ની અટકાયત

સુરત: સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી સુરત PCB દ્વારા કોલ સેન્ટર ઝડપી પાડ્યુ હતું. આ કોલ સેન્ટર વિકાસ મહેતા અને તેની પત્ની નેહા મહેતા દ્વારા ચલાવવામાં આવતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે આજે પીસીબીની ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો. જ્યાંથી લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદામાલ કબજે કરવામાં કરવામાં આવ્યો હતો. જહાંગીરપુરા પોલીસની હદમાં દાંડી રોડ પર આવેલા ગ્રીન એરીસ્ટો પ્લાઝા નામના શોપીંગ સેન્ટરમાંથી પોલીસે આ કોલ સેન્ટર ઝડપી પાડ્યુ છે. યુવતીઓ દ્વારા લોકોને કોલ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને પોલીસે કોલ સેન્ટરમાંથી લોકોને અટકાયતમાં લઇને તપાસ હાથ ધરી છે.

સુરતમાં ગેરકાયદે ચાલતા સૌથી મોટા કોલ સેન્ટરનો શહેર પીસીબી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પીસીબીએ મળેલ માહિતીના આધારે જહાંગીરપુરા ખાતે આવેલ ગ્રીન એરિસ્ટ્રો પ્લાઝામાં આજ રોજ દરોડા પાડ્યા હતા. અહીં આવેલ દુકાન નંબર 233- 234માં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરે પીસીબી ઝડપી પાડ્યું હતું. જ્યાં કોલ સેન્ટરમાંથી 6 મહિલા સહિત 19 જેટલા લોકોની પીસીબી દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

પીસીબીએ કોલ સેન્ટરમાંથી 54 મોબાઈલ, લેપટોપ ઉપરાંત ટેબલેટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કોલ સેન્ટરના સંચાલકો નેહા મહેતા અને વિકાસ મહેતાને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બંને સંચાલકો છેલ્લા લાંબા સમયથી અહીં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હોવાની હકીકત પીસીબીને મળી હતી. જ્યાં હાલ બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન કોલ સેન્ટરની મહિલા સંચાલક અને પુરુષ દ્વારા લોકોને કોલ કરી શેરબજાર તેમજ ફોરેક્સ કંપનીમાં રોકાણ કરાવવા અંગે ટીપ આપવામાં આવતી હતી. જે રોકાણ કરાવ્યા બાદ છેતરપિંડી આચરી મોબાઈલ બંધ કરી દેવામાં આવતા હતા. કોલ સેન્ટરની મહિલા સંચાલક બે લોકોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પીસીબીએ હાથ ધરી છે.

(5:09 pm IST)