Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કોલ સેન્ટરથી ૬ યુવતી સહિત ૧૯ ઝબ્બે, ભાઈ-બહેન ફરાર

સુરતમાંથી હાઇપ્રોફાઇલ કૉલ સેન્ટર ઝડપાયું : પોલીસ સ્ટેશનથી બે કિલોમીટર વિસ્તારમાં ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં ત્રીજા માળે ચાલતા કૉલ સેન્ટર ઉપર દરોડા

સુરત, તા.૧૮ : સુરત શહેરમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા કૉલ સેન્ટરને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. કૉલ સેન્ટરમાંથી લોકોને રોકાણના નામે ફોન કરવામાં આવતા હતા અને તેમની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી. પોલીસે સાથે ૧૯ લોકોને ઝડપી પાડ્યા છે. જોકે, કૉલ સેન્ટર ચલાવતા મહેતા ભાઈ-બહેને પોલીસ પકડથી હજુ દૂર છે. મામલે ગુનો દાખલ કરીને પોલીસે વધારે તપાસ શરૂ કરી છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનથી બે કિલોમીટરના વિસ્તારમાં ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં ત્રીજા માળે ચાલતા કોલ સેન્ટર પર સોમવારે પીસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી યુવતીઓ સહિત ૧૯ લોકોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ લોકોને કોલ કરી શેરબજાર જેવી પોતાની બનાવેલી કંપનીમાં રોકાણ કરવાની વાત કરતા હતા. ટોળકી શરૂઆતમાં લોકોને રોકાણ કરાવી થોડો ઘણો નફો બતાવી બાદમાં મોટી રકમ રોકાણ કરાવતા હતા. રોકાણના નામે દેશભરમાંથી ભાઈ-બહેનની ટોળકીએ કરોડોની રકમ ખંખેરી હોવાની વાત સામે આવી રહી છે.

             કૉલ સેન્ટર ભાઈ-બહેન ચલાવતા હતા, નજીકમાં એપાર્ટમેન્ટમાં બંને ભાઈ-બહેન રહેતા હોવાની વાત છે. હાલમાં બંને ફરાર છે. કૉલ સેન્ટર ચલાવનારમાં માસ્ટર માઇન્ડ વિક્કી મહેતા અને તેની બહેન નેહા મહેતા છે. પીસીબીના સ્ટાફે કોલ સેન્ટરમાંથી ૫૫થી વધુ મોબાઇલ ફોન, લેપટોપ, કોમ્યુટર, એક ટેબલેટ, કાર્ડ સ્કેચનું મશીન અને પ્રિન્ટર સહિતનો મુદામાલ કબજે કર્યો છે. જહાંગીરપુરામાંથી કૉલ સેન્ટર પકડી પાડતા સ્થાનિક પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા સાતેક મહિનાથી કોલ સેન્ટર ભાડેની ઓફિસમાં ચાલતું હતું. બંને ભાઈ-બહેન નોકરીએ રાખેલા યુવક-યુવતીઓને કસ્ટમરો સાથે કેવી રીતે વાત કરવાની અને કેવી રીતે રોકાણ કરવા પ્રલોભન આપવી તે માટેની ખાસ ટ્રેનિંગ પણ આપતા હતા. ભાઈ-બહેને કોલ સેન્ટરમાં કામે રાખેલા યુવક-યુવતીઓને ૧૦થી ૧૫ હજારનો પગાર આપતા હતા. પોતાની કોર્પોરેટ કંપની હોવાની વાતચીત કરીને કર્મીઓને કામ રાખતા હતા. નોંધનીય છે કે થોડા મહિના પહેલા ડુમસ રોડ પર વેસુમાં ભાડેના ફલેટમાં ફેન્ડશીપના નામે કૉલ સેન્ટર ખોલી લોકોને લોભામણી વાતો કરી રૂપિયા પડાવતી ટોળકીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. સમયે સાત યુવતી સહિત ૨૦ લોકો ઝડપાયા હતા.

(7:35 pm IST)