Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સોના ચાંદીના ભાવમાં ફરી તેજીનો માહોલ : સોનામાં 1100 રૂપિયા અને ચાંદીમાં 500નો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઉચકાતા સ્થાનિક સ્તરે પણ કિમતિધાતુના ભાવમાં વધારો

અમદાવાદઃ સોના-ચાંદીમાં ફરી તેજીનો માહોલ છે. મંગળવારે સોનામાં પ્રતિ 10 ગ્રામ 1100 રુપિયાનો ઊછાળો જોવા મળ્યો. જ્યારે ચાંદીમાં 500નો વધારો નોંધાયો.

અમદાવાદ બુલિયન બજારના રિપોર્ટ મુજબ 99.9 સોનું ગઇકાલે પ્રતિ 10 ગ્રામ 54000 રૂપિયે બંધ રહ્યું હતું જે આજે મંગળવારે 55000 થઇ ગયું. જ્યારે 99.5 ગોલ્ડ 53800 હતુ તે આજે 54800એ પહોંચી ગયું. તેવી જ રીતે હોલમાર્ક સોનું ગઇકાલના 52920થી વધી આજે 53900એ જતું રહ્યું.

ચાંદી ચોરસાને ગઇ કાલનો ભાવ 66000 પ્રતિ કિલો હતો. જે આજે 500 રૂપિયા વધીને 66500એ પહોંચી ગયો હતો. ગત સપ્તાહમાં રશિયાએ કોરોનાની રસી બનાવી લીધાના સમાચાર બાદ સોના-ચાંદીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેના પર મંગળવારે બ્રેક સાગી ગઇ અને અચાનક ભાવમાં મોટો ઊછાળો જોવા મળ્યો

એચડીએફસી સિક્યોરિટિઝ અનુસાર પીળી ધાતુની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તેજી જોતા મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સોનું 1182 રૂપિયા વધીને 54,856 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું. આ સિવાય ચાંદીની ભારે માંગના કારણે આજે ચાંદીની કિંમત 1587 રૂપિયા વધીને 72,547 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2005 ડોલર પ્રતિ ઔંસ હતું અને ચાંદી 28.15 ડોલર પ્રતિ ઔંસ પર વેપાર કરી રહ્યું હતું. આ સંદર્ભમાં એચડીએફસીના સિનિયર એનાલિસ્ટે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2 હજાર અમેરીકન ડોલરથી વેપાર કરી રહ્યું હતું જેનાથી ઘરેલુ બજારમાં તેજી નોંધાય

આજે સવારે ભારતીય બજારમાં સોના અને ચાંદીની વાયદાના ભાવોમાં પણ તેજી જોવા મળી એમસીએક્સ પર ઓક્ટોબરનો સોના વાયદા 0.18% વધીને 53,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીનો વાદયો ભાવ 0.8% વધીને 69.688 રૂપિયા કિલોગ્રામ થઈ ગયો હતો.

નિષ્ણાતોનું માનવું છે કે કોરોના મહામારીને લીધે આર્થિક અનિશ્ચત્તાને પગલે સોનું રોકાણનો વિકલ્પ બન્યું છે. દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ વિમલ ગોયલનું માનું છે કે સોનું ઓછામાં ઓછા વધુ એક વર્ષ ઉચ્ચસ્તરે રહેશે. દિવાળી સુધી તેમાં 10થી 15 ટકાનો ઊછાળો નોંધાઇ શકે છે.

(9:39 pm IST)