Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

થરાદ પાલિકાના ભાજપના સભ્યોનો બળવો : કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ : ચૂંટણી પૂર્વે ભાજપમાં દોડધામ

28 સભ્યોની પાલિકામાં ભાજપના 12 અપક્ષના 8 તેમજ કોગ્રેસના 8 સદસ્યો ચુંટાયેલા

થરાદ નગરપાલિકાના પ્રમુખપદની ચુંટણી પહેલા ભાજપ શાશિત પાલિકામાં ભાજપના સદસ્યોએ બળવો કરી કોગ્રેસને સાથ આપતાં ભાજપામાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે પ્રમુખપદની ચુંટણીમાં વિજેતા બનાવામાં અપક્ષની મહત્વની ભૂમિકા હોવાથી બન્ને પક્ષોએ સદસ્યોને તેમના તરફી કરવા કવાયત હાથ ધરી છે.ચુંટણી પૂર્વે ફરીયાદ થતાં ભાજપાની નૈયા ડુબી રહી હોય તેવા ઐધાણ વર્તાઈ રહ્યા છે.ત્યારે જોવાનુ રહ્યુ કે ભાજપ પાલિકાનો ગઢ જાળવી રાખે છે કે પછી કોગ્રેસ ગઢ છીનવી કબ્જો જમાવશે તે તો આગામી ચુંટણીમાં ખબર પડે.

થરાદ પાલિકામાં કુલ 28 સદસ્યોનો સમાવેશ થાય છે.જેમાં ભાજપના 12 અપક્ષના 8 તેમજ કોગ્રેસના 8 સદસ્યો ચુંટાયેલા છે.ગત ચુંટણીમાં ભાજપાએ અપક્ષના ટેકાથી પાલિકા કબ્જે કરી હતી.જોકે શાશનકાળ દરમ્યાન અનેક સદસ્યોએ વિકાસના કામોને લઈને અનેકવાર સામાન્ય સભામાં વિરોધ કર્યો હતો.ત્યારે પ્રમુખની ટર્મ પૂરી થતાં વિરોધ કરનાર સદસ્યોએ ભાજપ સામે બાંયો ચડાવી કોગ્રેસ તરફી થતાં ભાજપામાં ભારે દોડધામ સાથે હડકંપ મચી જવા પામી હતી.તેમજ ભાજપના સદસ્યોએ બળવો કરતાં રાજકીય બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વખતે પ્રમુખ પદની સીટ સામાન્ય સ્ત્રી હોવાથી તેમજ ભાજપામાં ભંગાણ થતાં કપરાં ચઢાણ સાબીત થઈ રહ્યા છે.

રાજકીય સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર હાલમાં કોગ્રેસ અપક્ષનો સહકાર લઈ બહુમતી બનાવશે.જોકે ભાજપમાં ભંગાણ થતાં અનેક અટકળો સાથે ભાજપના હાથમાંથી પાલિકા સરકી જાય તેવા ઐધાણ વર્તાઈ રહ્યા છે.ત્યારે ચુંટણી પૂર્વ રાજકીય ઘમાસણ સાથે રાજકીય યુંધ્ધ સાથે ફરીયાદ થતાં વિધાનસભા બાદ પાલિકા ભાજપ ગુમાવે તેવા સંભાવનાઓ સેવાઈ રહી છે.જોકે રાજકીય દાવપેચના માહિર એવા સાંસદ પરબતભાઈ પટેલ પર ભાજપ મોવઢી મંડળની આશા જાગી છે.ત્યારે જોવાનુ રહ્યુ કે સાંસદ પાલિકા પર ફરી કમળ ખીલાવે છે કે પછી કોગ્રસ બાજી મારી જાય છે.જોકે બહુમતી કરવા માટે અપક્ષના ટેકાની જરૂર હોવાથી ચુંટણીમાં અપક્ષ પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે.

(11:17 pm IST)