Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇ-વે ઉપર કારચાલકને ઢોર માર મારનાર 4 શખસોની ધરપકડઃ લૂંટ પણ ચલાવી હતી

વલસાડ: અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર થોડા દિવસ અગાઉ એક અરટિગા કાર ચાલકને ઢોર માર મારી થયેલી કારની લૂંટની ઘટનામાં વલસાડ પોલીસે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. અને આ ગુનાનામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. મહત્વપૂર્ણ છે કે ગઈ 12મી તારીખે મુંબઈના બાંદ્રાથી સતીશ ફુલ્સિંગ ગૌતમ નામના એક કાર ચાલકની કાર ચાર યુવકોએ ભાડે કરી હતી. આ યુવકોએ સતીશની કારમાં બાંદ્રાથી સુરત સ્ટેશન સુધી આવવા નીકળ્યા હતા. જોકે  વહેલી સવારે વલસાડ નજીક કાર ચાલક લઘુશંકા કરવા કારમાંથી નીચે ઉતરતા મોકો જોઇ અને કારના મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ચારે યુવકોએ કારચાલક સતીશ ગૌતમના માથામાં કાચની બોટલ મારી તેને લોહીલુહાણ કરી અને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

જોકે એ વખતે હાઇવે પરથી પસાર થતાં એક યુવકે ઘટનાને જોતાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી વલસાડ પોલીસની ટીમો કારની લૂંટ કરી ફરાર થતાં આરોપીઓને ઝડપવા માટે તમામ દિશામાં નાકાબંધી કરી અને તપાસ હાથ ધરી હતી. જોકે આરોપીઓ કારની લૂંટ કરી વલસાડથી નવસારી નજીક હાઈવે પર આવેલા બોરીયાચ ટોલનાકા પર પહોંચતા જ અગાઉથી જ પોલીસની ટીમો સતર્ક થઈ ગઈ હતી. ટોલ નાકા પર રહેલી પોલીસને જોઈ પરિસ્થિતિ પારખી ગયેલા કારના લૂંટારૂઓ કારને અધવચ્ચે છોડીને અંધારાનો લાભ લઇને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે કાર છોડી આરોપીઓને ઝડપવા વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબરોને ટ્રેસ કરતાં આરોપીઓ કામરેજ નજીકથી મળી આવ્યા હતા. તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં મૂળ યુપીના બીજનોર જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

- નાહિદ ઉર્ફે ઇમરાન સાહિદ અનસારી

- ફરહાન અબ્દુલ કાદિર  અન્સારી

- ફૈઝાંન  નફિસ અંસારી

- દાનિશ અજીજો રહેમાન

ઇમરાન અન્સારી મુંબઈમાં રીક્ષા ચલાવે છે. તેનો સાળો અને પિતરાઈ ભાઈઓ રીક્ષા શીખવા મુંબઇ આવ્યા હતા. સાળા ફરહનના છૂટાછેડા થાય હતા. જેથી બીજા લગ્ન કરાવવા રૂપિયાની જરૂર હતી. બાંદ્રાથી સુરત આવતા રસ્તામાં કારની લૂંટ ચલાવી યુપીમાં કારને વેંચી રૂપિયા આવે તેમાં ફરહનના લગ્ન કરાવવા અને બચે તે રૂપિયા વહેંચી લેવા નિર્ણય કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. મહત્વ નું છે કે પોલીસે જસ્ટ ડાયલ ડોટ કોમની મદદ મેળવીને કાર બુક કરાવનાર ઇસમનો મોબાઈલ નંબર મેળવી આગળની તાપસ કરી. કારણ કે આરોપીઓ એ આ કાર ભાડેથી લીધી હતી. પરંતુ આરોપીઓ વારંવાર ફોન બંધ કરતા હોવાથી લોકેશન મળતું ન હતું. ટેક્નિકલ એનાલિસિસ કરીને આરોપીઓને કામરેજથી ઝડપી પાડ્યા હતા.

(5:36 pm IST)