Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગાંધીનગર: કુડાસનની ગ્રીનપાર્ક સોસાયટીમાં મકાનને નિશાન બનાવી તસ્કરોએ એક સાથે ચાર મકાનના તાળા તોડ્યા

ગાંધીનગર: શહેરમાં આમ તો શિયાળાની કડકડતી ઠંડી દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો વધુ બનતાં હોય છે પરંતુ કોરોનાના કપરાં કાળમાં પણ તસ્કરો સક્રિય થયા હોય તેમ લાગી રહયું છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને ન્યુ ગાંધીનગરમાં વધી રહેલી ઘરફોડ ચોરીઓએ સ્થાનિક વસાહતીઓની ઉંઘ ઉડાડી દીધી છે ત્યારે કુડાસણમાં આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં ગઈકાલે રાત્રે તસ્કર ટોળી ત્રાટકી હતી. વસાહતીઓ મીઠી નીંદર માણી રહયા હતા ત્યારે એક પછી એક એમ ચાર બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. પરોઢીયે ચાર વાગ્યાની આસપાસ અવાજ આવતાં વસાહતીઓ જાગ્યા હતા અને બુમાબુમ કરતા અન્ય લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. જેના પગલે તસ્કરો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. વસાહતીઓએ તપાસ કરતાં સોસાયટીમાં ચાર મકાનોના તાળાં તુટયા હોવાનું જણાયું હતું અને તમામ મકાન માલિકો બહારગામ હોવાથી મકાનમાંથી શું ચોરાયું છે તે જાણી શકાયું નથી. પરંતુ વસાહતીઓએ આ અંગે ઈન્ફોસીટી પોલીસને જાણ કરી હતી પણ પોલીસ નહીં આવતાં કંટ્રોલરૂમને જાણ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. આ વિસ્તારમાં વધેલી ઘરફોડ ચોરીઓના કારણે વસાહતીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે. બે દિવસ અગાઉ કુડાસણની વસંતબહાર સોસાયટીમાં પણ રાત્રીના સમયે ધોકા જેવા હથિયારો સાથે ચોરી કરવા માટે આવેલી તસ્કર ગેંગ સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે વધેલી આવી ઘટનાઓના પગલે આ વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગ કરાવવા માટે પણ સ્થાનીકો દ્વારા જિલ્લા પોલીસવડાને રજુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

(5:31 pm IST)