Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે નવરાત્રીમાં માતાજીની આરતી

રાજ્યભરમાં સૌપ્રથમ નિયમો સાથે આરતી થઇ : સોસાયટીના તમામ લોકોની માસ્ક અને ૬ ફૂટના અંતરે ઊભા રહીને કરી પ્રથમ નવરાત્રિમાં માતાજીની આરતી

અમદાવાદ, તા. ૧૮ : રાજ્યમાં આ વર્ષ કોરોનાના કહેરના કારણે ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સોસાયટીમાં આરતી કરવા માટે નિયમોને આધિન પરવાનગી આપવામાં આવી છે. આજે શહેરની અનેક સોસાયટીમાં સરકારની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માતાજીની આરતી કરવામાં આવી. જે અંતર્ગત અમદાવાદ સોલા વિસ્તારની સૂર્યા એપાર્ટમેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અનુસાર માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આરતીના સ્થળ પર ૬-૬ ફૂટના અંતરે માર્કિગ કરીને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઊભા રહેલા જોવા મળ્યાં. આ સાથે સોસાયટીમાં હાજર તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા. જાહેરનામાં મુજબ હાલ માત્ર આરતી કરવા માટે જ પરમીશન આપવામાં આવી છે. ગરબા રમવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ સોસાયટીમાં કે વિસ્તારમાં ગરબાનું આયોજન કરવામાં આવશે તો તે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરી શકે છે.

કોરોનાની મહામારીને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે નવરાત્રીના તહેવાર દરમિયાન કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સરકાર દ્વારા નવરાત્રીના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોની આસ્થાને માન આપીને સોસાયટીઓમાં માત્ર માતાજીની આરાધના કરવા માટે પરમીશન આપવામાં આવી છે.

(9:27 pm IST)